VIDEO: "ઈતિહાસ અને સત્યને દબાવવાની કોશિશ શા માટે?" સોનિયા ગાંધીના પુસ્તક વિવાદ પર સચિન પાયલટ લાલઘૂમ!
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની બાયોગ્રાફી પ્રકાશિત કરવાના મામલે વિવાદ સર્જાયો છે. નવી દિલ્હી ખાતે કૉંગ્રેસ નેતા સચિન પાયલટે દાવો કર્યો છે કે પ્રકાશન કંપની (પબ્લિશર) પર આ પુસ્તક ન છાપવા માટે કોઈ ચોક્કસ દબાણ કરવામાં આવ્યું હોવાની પૂરી આશંકા છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે લોકશાહીમાં ઈતિહાસ અને સત્યને રજૂ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ.
સોનિયા ગાંધીનું જીવન પ્રેરણાદાયી અને સંઘર્ષપૂર્ણ
પત્રકારો સાથે વાત કરતા સચિન પાયલટે જણાવ્યું કે, "સોનિયાજીની બાયોગ્રાફી પોતાનામાં જ એક અસાધારણ અને પ્રેરણાદાયી વાર્તા છે. જે રીતે તેઓ આ દેશમાં આવ્યા, અહીંના રંગે રંગાયા અને પાર્ટી તથા પરિવાર માટે અનેક બલિદાનો આપ્યા, સાથે સાથે વ્યક્તિગત સ્તરે પણ ઘણું સહન કર્યું, તે બધું જ નોંધપાત્ર છે. જો તેઓ પોતાના રાજકીય અને અંગત જીવનનો ઉલ્લેખ કરે, તો સ્વાભાવિક રીતે જ દરેક નાગરિકને તે જાણવાની ઉત્સુકતા હોય. દેશના રાજકીય જીવનમાં તેમનું યોગદાન પહેલેથી જ લોકોની સામે છે."
"સત્ય છુપાવવાનો પ્રયાસ લોકશાહી માટે ખતરો"
પુસ્તકના પ્રકાશનમાં ઉભા થયેલા અવરોધ અંગે પાયલટે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું, "જો કોઈ વ્યક્તિ કે તંત્ર પબ્લિશર્સ પર દબાણ લાવીને સોનિયાજીની બાયોગ્રાફીનું પ્રકાશન રોકવાનો પ્રયાસ કરી રહ્યું હોય, તો સ્પષ્ટ દેખાય છે કે તેઓ કદાચ કંઈક છુપાવવા માંગે છે. વાસ્તવિકતા શું છે તે ચોક્કસપણે કહી શકાય નહીં, પરંતુ આ દેશમાં હકીકતો, વિગતો અને ઈતિહાસને રજૂ કરવાની, સાંભળવાની અને સમજવાની સંપૂર્ણ આઝાદી હોવી જોઈએ."
તેમણે ઉમેર્યું કે દબાણ દ્વારા આવા તથ્યોને દબાવવાનો પ્રયાસ અત્યંત ચિંતાજનક છે. જોકે, તેમણે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે અન્ય એક પબ્લિશર હવે આ પુસ્તક પ્રકાશિત કરવા આગળ આવ્યો છે, જે આવકારદાયક છે.

