VIDEO: વહેલી સવારે 5 વાગ્યે મસ્જિદ પર બુલડોઝર કેમ ચલાવ્યું? ઓવૈસીનો યોગી-મોદી પર સનસનાટીભર્યો આરોપ!
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) કચેરી પરિસરમાં આવેલી મસ્જિદને કોર્ટના આદેશ બાદ વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા નવો વિવાદ છેડાઈ ગયો છે. આ મામલે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. હૈદરાબાદમાં પત્રકારો સાથે વાતચીતમાં તેમણે દાવો કર્યો હતો કે સરકારે આ કાર્યવાહી જાણીજોઈને વહેલી સવારે અંધારામાં કરી જેથી મામલો ઉપલી અદાલત સુધી ન પહોંચી શકે.
વહેલી સવારે 5 વાગ્યે કાર્યવાહી કરવા પાછળનું રહસ્ય શું?
ઓવૈસીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, "આખા વિસ્તારને ઘેરી લઈને વહેલી સવારે પાંચ વાગ્યે મસ્જિદને તોડી પાડવામાં આવી. આ જ બાબત સાબિત કરે છે કે ભાજપની યોગી સરકાર ખોટી હતી અને તેઓ ઇચ્છતા નહોતા કે મસ્જિદ કમિટી આ મામલે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે." તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ, વડાપ્રધાન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના મનમાં 'મસ્જિદ' શબ્દ પ્રત્યે જ ઊંડો દ્વેષ છે. માત્ર મસ્જિદ જોતાં જ તેમના દિલ અને દિમાગમાં ભય પેદા થઈ જાય છે.
બંધારણીય અધિકારો છીનવી લેવાનો આરોપ
AIMIM પ્રમુખે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર વિશેષરૂપે મુસ્લિમો માટેના બંધારણીય અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાને ખતમ કરી રહી છે. યોગી સરકાર પર આકરા પ્રહાર કરતાં તેમણે ઉમેર્યું, "જો યોગી આદિત્યનાથ અને ભાજપ એવું માનતા હોય કે કાયદાનું ઉલ્લંઘન કરીને, બંધારણના લીરેલીરા ઉડાડીને અને મૂળભૂત અધિકારોને કચડીને તેઓ ચૂંટણીમાં ફાયદો મેળવી લેશે, તો આ તેમની મોટી ભૂલ છે."
હાઈકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડતની તૈયારી
ઓવૈસીએ સહારનપુરની મસ્જિદ મેનેજમેન્ટ કમિટીને હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા અપીલ કરી છે. તેમણે ખાતરી આપી હતી કે આ લડતમાં જરૂરી તમામ કાનૂની સહાય આપવા માટે તેમની પાર્ટી તૈયાર છે. તેમણે કહ્યું કે કુદરતનો ન્યાય ચોક્કસ થશે અને બંધારણ તથા કાયદાકીય રીતે આ પગલાંની કિંમત તેમણે ચૂકવવી જ પડશે.

