બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: અસલી TMC કોની? ચૂંટણી પંચના શરણે પહોંચ્યા મમતા બેનર્જી

મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બાદ હવે પશ્ચિમ બંગાળના રાજકારણમાં પણ 'અસલી પક્ષ કોનો?' તે અંગેની લડાઈ શરૂ થઈ ગઈ છે. અસલી તૃણમૂલ કોંગ્રેસ (TMC) કોની છે? તેનો અંતિમ નિર્ણય હવે ભારતનું ચૂંટણી પંચ (ECI) કરશે. મમતા બેનર્જીના નેતૃત્વવાળા સત્તાવાર જૂથે પોતાની રાષ્ટ્રીય કાર્યસમિતિનું પુનર્ગઠન કરીને તેની તમામ વિગતો ચૂંટણી પંચને સોંપી દીધી છે. આ યાદીમાં મમતા બેનર્જીને જ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
પક્ષમાં આ મોટો ફેરફાર રીતાબ્રત બેનર્જીના નેતૃત્વવાળા બળવાખોર જૂથ દ્વારા મમતા બેનર્જીને પાર્ટી પ્રમુખ પદેથી હટાવવાના દાવા બાદ કરવામાં આવ્યો છે.
મમતા બેનર્જીએ ભત્રીજા અભિષેકને સોંપી મોટી જવાબદારી
TMC નેતાઓના જણાવ્યા અનુસાર, બળવાખોર જૂથ દ્વારા 'અસલી તૃણમૂલ'ના નામે પક્ષ પર કબજો મેળવવાની તમામ ચાલને નિષ્ફળ બનાવવા માટે મમતા બેનર્જીએ તાબડતોબ ચૂંટણી પંચનો દરવાજો ખટખટાવ્યો છે. મમતા બેનર્જીએ પોતાની નવી સુધારેલી નેશનલ વર્કિંગ કમિટી અને સંગઠનના અન્ય હોદ્દેદારોની સંપૂર્ણ વિગતો ઈમેઈલ દ્વારા ચૂંટણી પંચને મોકલી આપી છે.
નવી કમિટીના મુખ્ય હોદ્દેદારોની યાદી:
ચેરપર્સન: મમતા બેનર્જી
ઓલ ઈન્ડિયા જનરલ સેક્રેટરી: અભિષેક બેનર્જી
સ્ટેટ પ્રેસિડેન્ટ: ચંદ્રિમા ભટ્ટાચાર્ય
જોઈન્ટ સેક્રેટરી: ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન
ટ્રેઝરર (ખજાનચી): સુભાષિશ ચક્રવર્તી
બળવાખોરોનો દાવો: 'અમે જ અસલી TMC', મમતાને પદ પરથી હટાવ્યા
આ અગાઉ કોલકાતામાં બળવાખોર જૂથની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં તેમણે 30 સભ્યોની નવી રાષ્ટ્રીય કાર્યસમિતિ બનાવવાની જાહેરાત કરી હતી. બળવાખોરોનો દાવો છે કે આ સમિતિ જ સંગઠનનું અસલી કેન્દ્ર છે અને તેઓ જ વાસ્તવિક તૃણમૂલ કોંગ્રેસ છે.
બળવાખોર જૂથે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ કમિટીમાં અરુપ રોયને ચેરમેન બનાવ્યા છે, જ્યારે ફિરહાદ હકીમ અને અરુપ બિસ્વાસને વરિષ્ઠ પદો સોંપ્યા છે. આ નવી કમિટીમાં સબીના યાસ્મીન, રથિન ઘોષ, ફિરહાદ હકીમ, અરુપ બિસ્વાસ અને જાવેદ ખાન જેવા નેતાઓ સામેલ છે. બળવાખોર નેતા રીતાબ્રતાએ જણાવ્યું કે, આગામી દિવસોમાં જિલ્લા સમિતિઓ અને જિલ્લા પ્રમુખોના નામ પણ જાહેર કરવામાં આવશે.
બળવાખોરોની ઓફર: 'મમતા મેન્ટર બને', સામે પક્ષે મળ્યો શો-કોઝ નોટિસનો ફટકો
બળવાખોર નેતાઓએ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે તેમનું જૂથ ઈચ્છે છે કે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી પક્ષમાં એક માર્ગદર્શક (Mentor) તરીકે સંગઠન સાથે જોડાયેલા રહે. બીજી તરફ, મમતા બેનર્જીના જૂથે કડક વલણ અપનાવતા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ બળવાખોર જૂથના અનેક વરિષ્ઠ નેતાઓ અરુપ રોય, અરુપ બિસ્વાસ, ફિરહાદ હકીમ, રથિન ઘોષ, બિપ્લબ મિત્રા, જાવેદ ખાન, સ્નેહાશીષ ચક્રવર્તી અને સબીના યાસ્મીન સહિતનાઓને 'કારણ દર્શક નોટિસ' ફટકારી દીધી છે.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આવેલો આ ભૂકંપ હવે ક્યા નવા મોડ ઉપર જાય છે અને ચૂંટણી પંચ કોના પક્ષમાં ચુકાદો આપે છે, તેના પર દેશભરની નજર રહેશે.

