"જો ડરી જશો તો શેની ડેમોક્રેસી?" ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછીયે આંદોલન ખતમ નહીં કરે CJP

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે પૂરું થઈ જશે. પરંતુ કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજિત દીપકેએ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી તેમની બાકીની બે મુખ્ય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન સમાપ્ત કરવામાં આવશે નહીં. શનિવારે બપોરે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના સમાચાર વાયરલ થતાં જ જંતર-મંતર પર અનશન પર બેઠેલા અભિજીત દિપકેએ ખુશી વ્યક્ત કરવાની સાથે પોતાની આગામી રણનીતિ જાહેર કરી હતી.
CJPની બીજી બે મુખ્ય માંગણીઓ શું છે?
રાજીનામા પર પ્રતિક્રિયા આપતા અભિજીત દિપકેએ કહ્યું, તેમણે (ધર્મેન્દ્ર પ્રધાન) રાજીનામું આપી દીધું છે, પરંતુ અમારી હજુ પણ બે માંગણીઓ બાકી છે. પહેલી માંગણી એ છે કે આ પેપર લીક વિવાદમાં જે બાળકોએ આત્મહત્યા કરી છે, તેમના પરિવારોને ₹1 કરોડનું વળતર મળવું જોઈએ. અને બીજી માંગણી એ છે કે 20 જુલાઈના રોજ જે પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓ પર એક્શન લીધી હતી, તે પોલીસ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. યાદ રાખજો, કોકરોચ સાથે પંગો ન લેતા!
મીડિયા અને રાજકારણીઓ કહેતા હતા રાજીનામું નહીં થાય
સરકારની જિદ્દ અને પોતાની ક્રાંતિ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું, મીડિયાવાળા કહેતા હતા, રાજકારણીઓ કહેતા હતા કે રાજીનામું નહીં આપે. આ બહુ જિદ્દી સરકાર છે, તમે આ સરકારને ઓળખતા નથી. 36 દિવસ સુધી મને દરરોજ આ જ સવાલ પૂછવામાં આવતો હતો. દરેક વ્યક્તિએ એ જ કહ્યું કે રાજીનામું નહીં થાય તો શું થશે? જ્યારે હું અમેરિકાથી નીકળ્યો હતો ત્યારે પણ ઘણા લોકો કહેતા હતા કે તને શું લાગે છે, ભારતમાં ક્રાંતિ આવશે? જુઓ, ક્રાંતિ આવી ગઈ!
ડર્યા વગર લડવાની આપી સલાહ: "કોકરોચ એકવાર ઘૂસે પછી નીકળતો નથી"
લોકશાહીની તાકાત સમજાવતા CJP પ્રમુખે કહ્યું, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આ એ વાતનો પુરાવો છે કે જો તમે ડરતા નથી અને આ સરકાર સામે ઝૂકતા નથી, તો તમે ગમે તે વ્યક્તિ પાસે રાજીનામું લેવડાવી શકો છો. લોકશાહીમાં ડરવાની જરૂર નથી. જો ડરી જશો તો શેની ડેમોક્રેસી? કોકરોચ એકવાર ઘૂસે છે તો નીકળતો નથી. તેમણે આગળ ઉમેર્યું કે, 20 જુલાઈના રોજ જે પોલીસ અફસરોએ બળપ્રયોગ કર્યો છે તેમના પર એક્શન લેવાય. જો અમે એક મંત્રીનું રાજીનામું લઈ શકતા હોઈએ તો યાદ રાખજો તમે લોકો શું છો? 20 જુલાઈ પછીથી જેટલા પણ વિદ્યાર્થીઓ પર કેસ દાખલ કરવામાં આવ્યા છે તે તમામ કેસ પાછા ખેંચવામાં આવે. આ આપણી જીત દર્શાવે છે કે આપણી લોકશાહી કેવી હોવી જોઈએ. રેપિડ એક્શન ફોર્સ (RAF) અને દિલ્હી પોલીસવાળા પણ આ મામલે માફી માંગે.

