VIDEO: "પેટ્રોલમાં શું ભેળવી દીધું?" શિક્ષક દિવસે અખિલેશ યાદવે પેટ્રોલ-ખાંડના ભાવ પર સરકારની કાઢી ઝાટકણી!
શિક્ષક દિન નિમિત્તે ઉત્તર પ્રદેશમાં આયોજિત ‘પાઠશાલા પુકારે’ કાર્યક્રમ દરમિયાન સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે વર્તમાન સરકારની આર્થિક નીતિઓ, મોંઘવારી અને ઇંધણ વ્યવસ્થાપન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રના વધતા ખર્ચથી લઈને સામાન્ય જનજીવનને સ્પર્શતા મુદ્દાઓ પર સરકારની ઝાટકણી કાઢી હતી.
શિક્ષણ અને કાર્યક્રમો પણ સામાન્ય માણસની પહોંચ બહાર
કાર્યક્રમને સંબોધતા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, બજારમાંથી શાળાઓ માટે ખરીદવામાં આવતી દરેક વસ્તુ હવે અત્યંત મોંઘી થઈ ગઈ છે. તેમણે ઉપસ્થિત લોકોને પ્રશ્ન કરતા કહ્યું કે, "જો તમારે શાળામાં કોઈ નાનો કાર્યક્રમ યોજવો હોય કે બાળકોને પિકનિક પર લઈ જવા હોય, તો વિચાર કરો કે કેટલો મોટો ખર્ચ થઈ રહ્યો છે? સામાન્ય માણસ માટે આ પરિસ્થિતિ સહન કરવી મુશ્કેલ બની ગઈ છે."
પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ અને એન્જિનની ક્ષમતા પર સવાલ
સરકારના ભેળસેળ વિરોધી દાવાઓ સામે નિશાન સાધતા સપા પ્રમુખે કહ્યું, "એક તરફ સરકાર કહે છે કે તે ભેળસેળની વિરુદ્ધ છે, પણ બીજી તરફ વિચારો કે પેટ્રોલમાં શું ભેળવવામાં આવી રહ્યું છે? સરકાર દાવો કરે છે કે ઇથેનોલ ખૂબ સારું છે. પરંતુ શું કોઈ પણ એન્જિન બનાવતી કંપનીએ ક્યારેય એવી ગેરંટી કે ખાતરી આપી છે કે ઇથેનોલ ઉમેરવાથી વાહનનું માઇલેજ વધશે કે એન્જિનનું મેન્ટેનન્સ સારું રહેશે?"
તહેવારોમાં ખાંડના ભાવ અને પેકેટ સાઈઝ ઘટાડવાનો મુદ્દો
આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અખિલેશ યાદવે મોંઘવારીના મુદ્દે પણ સરકારને ઘેરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, "તહેવારો નજીક આવતા જ ખાંડના ભાવમાં કેવો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે તે જુઓ. મોંઘવારી કયા સ્તરે પહોંચી ગઈ છે? આજે જ્યારે તમે બજારમાં સામાન ખરીદવા જાવ છો, ત્યારે ચીજવસ્તુઓના પેકેટનું કદ નાનું થતું જાય છે. કોઈ પણ વેપારી પોતાનો નફો ઘટાડવા તૈયાર નથી અને આ તમામ બોજ આખરે ગરીબ તથા મધ્યમ વર્ગના માથે જ આવી રહ્યો છે."

