શું કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસમાં વાપસી કરશે? બદલાયેલા વલણથી રાજકીય અટકળો

પંજાબ (Punjab) વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના તાજેતરના નિવેદનથી રાજ્યના રાજકારણમાં ચર્ચા તેજ બની છે. તેમના બદલાયેલા વલણ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી પ્રશંસા બાદ અમરિંદર સિંહની કોંગ્રેસમાં ફરીથી વાપસીની અટકળો શરૂ થઈ છે. જોકે, અમરિંદર સિંહે કોંગ્રેસમાં પરત ફરવા અંગે હજુ સુધી કોઈ સીધો સંકેત આપ્યો નથી.
‘દિમાગી નક્સલ’ શબ્દ પર ઉઠાવ્યો સવાલ
કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉપયોગમાં લેવાયેલા ‘દિમાગી નક્સલ’ શબ્દ પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે પૂછ્યું કે આ શબ્દનો ચોક્કસ અર્થ શું છે અને તેને લોકશાહી રીતે વ્યક્ત કરવામાં આવતા વિરોધથી કેવી રીતે અલગ કરવામાં આવશે?
અમરિંદર સિંહનું કહેવું છે કે સરકારની નીતિની ટીકા કરવી અથવા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવો નક્સલવાદ ગણી શકાય નહીં. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે પરીક્ષાને લઈને વિરોધ કરતો વિદ્યાર્થી, નોકરીની માંગ કરતો યુવાન કે સરકારની નીતિનો વિરોધ કરતો ખેડૂત માત્ર વિરોધના કારણે નક્સલી બની જતો નથી.
રાહુલ ગાંધીએ કરી હતી અમરિંદરની પ્રશંસા
અમરિંદર સિંહના નિવેદનને રાહુલ ગાંધીની તાજેતરની ટિપ્પણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. 6 ઓગસ્ટે રાહુલ ગાંધીએ અમરિંદર સિંહની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. તેમણે અમરિંદરને પોતાનો પસંદગીનો નેતા ગણાવતા તેમને ‘કૂલ’ ગણાવ્યા હતા.
રાહુલ ગાંધીએ અમરિંદર સિંહને સૈન્ય ઇતિહાસના જાણકાર પણ ગણાવ્યા હતા અને મજાકિયા અંદાજમાં ‘હેલો, અંકલ અમરિંદર’ કહ્યું હતું. ત્યારથી બંને નેતાઓના સંબંધોને લઈને રાજકીય ચર્ચા ચાલી રહી છે.
શું થશે કોંગ્રેસમાં ‘ઘરવાપસી’?
પંજાબની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમરિંદર સિંહના નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીની પ્રશંસા અને હવે કેન્દ્ર સરકારના એક રાજકીય મુદ્દા પર અમરિંદર સિંહે સવાલ ઉઠાવતા તેમની કોંગ્રેસ સાથેની નજીકની ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે.
જોકે, હાલમાં કોંગ્રેસમાં તેમની વાપસી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે સ્પષ્ટ સંકેત સામે આવ્યો નથી. તેથી તેમની ‘ઘરવાપસી’ની ચર્ચાને હાલ માત્ર રાજકીય અટકળો તરીકે જ જોવામાં આવી રહી છે.

