VIDEO: વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર સેટેલાઈટ! બેંગલુરુના સ્ટાર્ટઅપે રચ્યો ઈતિહાસ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન
VIDEO: ભારતની અંતરિક્ષ યાત્રામાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુ સ્થિત સ્પેસ ટેક સ્ટાર્ટઅપ 'ગૅલેક્ઝઆઈ' (GalaxEye) દ્વારા વિકસિત 'મિશન દ્રષ્ટિ'ની સફળતાને ભારત માટે એક મોટું સીમાચિહ્ન ગણાવ્યું છે. આ મિશન દ્વારા ભારતે સાબિત કર્યું છે કે ખાનગી ક્ષેત્ર પણ અંતરિક્ષ વિજ્ઞાનમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ છે.
વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર સેટેલાઈટ
આ ઉપગ્રહની સૌથી મોટી વિશેષતા એ છે કે તે વિશ્વનો પ્રથમ 'ઓપ્ટોસાર' (OptoSAR) સેટેલાઈટ છે. તેને અમેરિકાથી એલોન મસ્કની કંપની સ્પેસએક્સના ફાલ્કન-9 (Falcon-9) રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઈટ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ખાનગી નિર્મિત પૃથ્વી અવલોકન (Earth Observation) સેટેલાઈટ હોવાનું ગૌરવ ધરાવે છે.
ટેકનોલોજીનો અનોખો સંગમ
'મિશન દ્રષ્ટિ' અંતર્ગત મોકલવામાં આવેલો આ ઉપગ્રહ અત્યાધુનિક મલ્ટીસ્પેક્ટ્રલ કેમેરા અને સિન્થેટિક એપર્ચર રડાર (SAR)ના અનોખા સંગમથી સજ્જ છે. આ ટેકનોલૉજીને કારણે તે પૃથ્વીના અવલોકનમાં ક્રાંતિ લાવશે. સામાન્ય રીતે કેમેરા વાદળો કે અંધકારમાં સ્પષ્ટ તસવીરો લઈ શકતા નથી, પરંતુ આ સેટેલાઈટ ખરાબ હવામાન, ગાઢ વાદળો કે રાત્રિના અંધકારમાં પણ પૃથ્વીની અત્યંત સ્પષ્ટ અને સચોટ તસવીરો લેવા માટે સક્ષમ છે.
વડાપ્રધાનનો મેસેજ
પીએમ મોદીએ આ સિદ્ધિ બદલ ગૅલેક્ઝઆઈ સ્ટાર્ટઅપની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ સફળતા ભારતીય યુવાનોની ઈનોવેશન શક્તિ અને ખાનગી અંતરિક્ષ ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સેટેલાઈટથી પ્રાપ્ત ડેટા સંરક્ષણ, કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં ભારત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

