VIDEO: અંબાલામાં ભારે વરસાદથી જળબંબાકાર: શાળાઓ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ
હરિયાણાના અંબાલામાં ખાબકેલા ભારે વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદના લીધે નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ અને રહેણાંક સોસાયટીઓ પાણીમાં ડૂબી જતાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ આકાશી આફતની સૌથી વધુ અસર શિક્ષણધામો પર પડી છે. જ્યાં અંબાલાની શાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. શાળા પરિસરમાં પાણી ઘૂસી જતાં નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓ બ્લોક થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને સ્થાનિક લોકોને રોજીંદી જરૂરિયાતો માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિને કારણે અંબાલાના લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

