VIDEO/ NEET પેપર લીક વિવાદ: રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના આપઘાતને 'તંત્ર દ્વારા હત્યા' ગણાવી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ નીટ-યુજી 2026 પેપર લીક થયા બાદ બે વિદ્યાર્થીઓની કથિત આત્મહત્યા મામલે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો છે કે, ભાજપ સરકારના રાજમાં ચોરી કરનારાઓને ઇનામ મળે છે. અને પરીક્ષા આપનારા બાળકો જીવ ગુમાવે છે. દેશમાં છેલ્લા 12 વર્ષમાં કેટલા પરીક્ષા કૌભાંડો થયા, કેટલાની ધરપકડ થઈ, તેના આંકડા પણ રાહુલ ગાંધીએ શેર કર્યા છે.
રાહુલ ગાંધીએ લખીમપુર ખીરીના 21 વર્ષના ઋતિક મિશ્રા અને ગોવાના એક વિદ્યાર્થીની કથિત આત્મહત્યાનો ઉલ્લેખ કરીને પૂછ્યું છે કે, વડાપ્રધાનની જવાબદારી જગાડવા માટે હજુ કેટલા ઋતિકે જીવ આપવો પડશે? તેમણે કહ્યું કે, બાળકોના ભવિષ્ય સાથે રમત રમનારાઓએ જવાબ આપવો જ પડશે.
તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘લખીમપુર ખીરીના 21 વર્ષના ઋતિક મિશ્રાના છેલ્લા શબ્દો હતા કે, હવે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી નથી. ત્રીજી વખત નીટની પરીક્ષા આપનારો ઋતિક પરીક્ષા રદ થવાના કારણે તૂટી ગયો. ગોવામાં પણ એક નીટ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. આ બાળકો પરીક્ષાથી હાર્યા નથી, પરંતુ તેમને ભ્રષ્ટ તંત્રએ માર્યા છે. આ આત્મહત્યા નથી, આ તંત્ર દ્વારા હત્યા કરાઈ છે.’

