VIDEO/ ઐતિહાસિક ઓઈલ ડીલ: ભારતના અંડરગ્રાઉન્ડ રિઝર્વમાં UAE સ્ટોર કરશે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ક્રૂડ ઓઈલને લઈને ઐતિહાસિક ડીલ થઈ છે. આ સમજૂતી હેઠળ યુએઈ હવે ભારતના અંડરગ્રાઉન્ડ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ માં 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આ ઐતિહાસિક કરારની પુષ્ટિ કરતા તેને ભારતની ઉર્જા સુરક્ષાની દિશામાં અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ગણાવ્યું છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા તેલ વિદેશથી આયાત કરે છે. ભવિષ્યમાં યુદ્ધ કે અન્ય કોઈ વૈશ્વિક કટોકટીના કારણે સપ્લાય અટકી ન જાય તે માટે ભારતે જમીનની નીચે વિશાળ પેટ્રોલિયમ રિઝર્વ બનાવ્યા છે. વિદેશ સચિવના જણાવ્યા અનુસાર, અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની આ અંડરગ્રાઉન્ડ સ્ટોરેજમાં પોતાનું તેલ રાખશે. આ ડીલ માત્ર તેલ ખરીદવાનો નથી, પરંતુ ભારતની ધરતી પર યુએઈના તેલનો એક મોટો સ્ટોક હંમેશા હાજર રાખવાનો છે. આ જથ્થો એટલો મોટો છે કે, કોઈપણ કટોકટીના સમયે ભારતને મહિનાઓ સુધી મદદ કરશે અને જરૂર પડ્યે ભારત પોતાના પાડોશી દેશોને પણ મદદ કરી શકશે.

