VIDEO: બંગાળમાં સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે ભાજપ મેદાનમાં! શ્રીરામપુર ગણતરી કેન્દ્ર બહાર મહિલા કાર્યકરોની કડક ચોકી
VIDEO: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો નજીક આવતાની સાથે જ રાજકીય ગતિવિધિઓ અને તણાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. હુગલી જિલ્લાના શ્રીરામપુર કોલેજ ખાતે બનાવવામાં આવેલા મતગણતરી કેન્દ્ર અને સ્ટ્રોંગ રૂમની બહાર ભાજપ મહિલા મોરચાની કાર્યકરોએ કિલ્લેબંધી કરી છે. કોઈપણ સંભવિત ગેરરીતિ કે ઈવીએમ સાથેની છેડછાડને રોકવા માટે આ મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર એકઠી થઈ છે.
રાત-દિવસની ચોકી અને સતર્કતા
ભાજપ મહિલા મોરચાની સભ્યોએ મક્કમતાપૂર્વક જણાવ્યું છે કે, જ્યાં સુધી મતગણતરીની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ કેન્દ્ર છોડશે નહીં. ગણતરી કેન્દ્રની બહાર જ અડિંગો જમાવીને આ મહિલાઓ રાત-દિવસ ચોકી કરી રહી છે. જોકે ત્યાં કેન્દ્રીય સુરક્ષા દળો અને પોલીસનો પહેરો તૈનાત છે, તેમ છતાં ભાજપના કાર્યકરો પોતાની રીતે પણ દરેક હિલચાલ પર બાજ નજર રાખી રહ્યા છે.
સંવેદનશીલ વાતાવરણ અને સુરક્ષા
પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસ અને સંવેદનશીલ વાતાવરણને જોતા વિપક્ષી દળોમાં સ્ટ્રોંગ રૂમની સુરક્ષાને લઈને ઊંડી આશંકાઓ જોવા મળી રહી છે. આ સતર્કતાના ભાગરૂપે જ ભાજપ દ્વારા આ પ્રકારની વ્યૂહરચના અપનાવવામાં આવી છે. આ ભીડ અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શ્રીરામપુર કોલેજ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

