'ઉત્તર પ્રદેશનું 4 ભાગમાં વિભાજન થશે', કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરનો મોટો દાવો

ઉત્તર પ્રદેશના ભાગલાને લઈને જૂની રાજકીય ચર્ચા ફરી એકવાર જોર પકડી રહી છે. દેવરિયાના સોનુઘાટ ખાતે આયોજિત 'સામાજિક સમરસતા મહારેલી'ના મંચ પરથી સુભાસપા (SBSP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપી સરકારના કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભરે મોટો દાવો કર્યો છે.
ઉત્તર પ્રદેશનું 4 ભાગોમાં વિભાજન થવું નક્કી : રાજભર
ઓમ પ્રકાશ રાજભરે (Om Prakash Rajbhar) કાર્યકરોને સંબોધન કરતા કહ્યું છે કે, આવનારા સમયમાં ઉત્તર પ્રદેશનું 4 ભાગોમાં વિભાજન થવું નક્કી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, જે દિવસે અલગ પૂર્વાંચલ રાજ્ય બનશે, તે નવા રાજ્યની મુખ્યમંત્રીની ખુરશી પર રાજભરનો દીકરો જ બેસશે.
27 ટકા અનામતની અંદર પેટા-વર્ગીકરણની માંગ
રેલી દરમિયાન તેમણે OBC સમુદાયના 27 ટકા અનામતનો મુદ્દો પણ જોરશોરથી ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે, આ ક્વોટાની અંદર યોગ્ય વિભાજન થવું જોઈએ, જેથી પછાત જાતિઓને તેમની વસ્તીના પ્રમાણમાં વાસ્તવિક લાભ મળી શકે. અનામતનો લાભ માત્ર અમુક ચોક્કસ જાતિઓ સુધી સીમિત ન રહેવો જોઈએ, પરંતુ વસ્તી અનુસાર રાજભર સમાજ સહિત અન્ય તમામ પછાત વર્ગોને પણ તેમનો યોગ્ય હિસ્સો મળવો જોઈએ.
યુપીના 4 ભાગોમાં વિભાજનનો જૂનો ઇતિહાસ
ઉત્તર પ્રદેશનું વિભાજન કરીને તેને 4 અલગ-અલગ રાજ્યોમાં વહેંચવાની માગણી ઘણી જૂની છે. વર્ષ 2011માં માયાવતી સરકારે વિધાનસભામાં ઉત્તર પ્રદેશને પૂર્વાંચલ, બુંદેલખંડ, પશ્ચિમ પ્રદેશ અને અવધ પ્રદેશ એમ 4 ભાગોમાં વહેંચવાનો પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલ્યો હતો. હાલમાં આ મુદ્દે કોઈ નવો સરકારી કે, વહીવટી નિર્ણય લેવાયો નથી, પરંતુ રાજભરના આ તાજેતરના નિવેદનને પછાત વોટબેંક સાચવવાની તેમની આગવી રાજકીય વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યું છે.

