VIDEO: UP વિધાનસભામાં હોબાળો; મહિલા અનામત બિલ પરના વિશેષ સત્રમાં સપા અને ભાજપના ધારાસભ્યો સામસામે
લખનૌ ખાતે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવેલા એક દિવસીય વિશેષ સત્ર દરમિયાન ભારે હોબાળો જોવા મળ્યો હતો. સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ આ વિશેષ સત્રનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને ગૃહની બહાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ, આ ધારાસભ્યોએ વિધાનસભા ગૃહની અંદર પણ પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરીને હંગામો મચાવ્યો હતો.
તેની સામે ભાજપની મહિલા ધારાસભ્યો પણ વળતા પોસ્ટરો લઈને પહોંચી હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે સામસામે નારેબાજી થઈ હતી. સત્ર શરૂ થતાની સાથે જ સપાના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન તેજ કર્યું હતું. વિરોધ કરી રહેલા ધારાસભ્યોનું કહેવું હતું કે, સરકાર માત્ર પ્રચાર મેળવવા માટે આવા સત્રો બોલાવી રહી છે, જ્યારે વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવતું નથી.
સપાના નેતાઓએ મહિલા અનામત બિલમાં પછાત અને વંચિત વર્ગની મહિલાઓ માટે અલગથી 'ક્વોટામાં ક્વોટા'ની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનને કારણે વિધાનસભા પરિસરમાં રાજકીય ગરમાવો વધી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જડ કરી દેવામાં આવી હતી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે સરકાર મૂળભૂત પ્રશ્નો પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારની વ્યૂહરચના અપનાવી રહી છે.

