Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Twisha Sharma case: "How can Giribala be granted bail immediately?" Supreme Court raises question during hearing

ટ્વિશા શર્મા કેસ: "ગિરીબાલાને તરત જામીન કેવી રીતે?" સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ઉઠાવ્યો સવાલ

Timeછેલ્લું અપડેટ : 25 May 2026
લાઇવ ટીવીGoogle News
ટ્વિશા શર્મા કેસ: "ગિરીબાલાને તરત જામીન કેવી રીતે?" સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ઉઠાવ્યો સવાલ
સોર્સ : GSTV

મધ્ય પ્રદેશના ચર્ચિત ટ્વિશા શર્મા સંદિગ્ધ મોત મામલે સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન (આપમેળે નોંધ) લેતા સોમવારે સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે કેટલાય સવાલો ઉઠાવ્યા છે અને CBIને આ મામલાની તપાસ પોતાના હાથમાં લેવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આરોપી અને પીડિત પરિવારને મીડિયામાં કે જાહેર મંચો પર નિવેદન ન આપવાની અપીલ કરી છે. અદાલતમાં સુનાવણી દરમિયાન સામે આવ્યું કે, ગિરીબાલા પોતાની વગનો ઉપયોગ કરીને તપાસમાં સહયોગ આપી રહ્યા નથી. કોર્ટે એવો સવાલ પણ ઉઠાવ્યો કે તેમને તરત જામીન કેવી રીતે મળી ગયા?

App Store

સુનાવણી દરમિયાન સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે CBI આજે જ આ મામલાની તપાસ પોતાના હસ્તક લઈ લેશે. સુપ્રીમ કોર્ટે આ બાબતને રેકોર્ડ પર લીધી છે.  CJI સૂર્યકાંતે આશા વ્યક્ત કરી છે કે CBI તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરશે.

તપાસ નિષ્પક્ષ હોવી જોઈએ: SC

અદાલતે સુનાવણી દરમિયાન અત્યંત સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મોત આત્મહત્યા હોય કે પછી કોઈ અન-નેચરલ ડેથ, ગમે તે સ્થિતિમાં આ આખા મામલાના મૂળ સુધી જઈને એક નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવી ખૂબ જ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ આ સમયે મીડિયા અને સામાન્ય જનતા વચ્ચે ચાલી રહેલી કોઈપણ પ્રકારની અટકળોને બિલકુલ પ્રોત્સાહન આપવા માંગતા નથી.

સરકારના નિર્ણયની પ્રશંસા

અદાલતમાં સુનાવણી દરમિયાન એ વાત પણ સામે આવી કે આરોપી પક્ષના ગિરીબાલા સિંહ એક નિવૃત્ત જજ હોવાને કારણે સમાજમાં એવું નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યું છે કે સ્થાનિક પોલીસ દ્વારા થઈ રહેલી તપાસ નિષ્પક્ષ નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કેસ સીબીઆઈને સોંપવાના નિર્ણયની પ્રશંસા કરી છે, જેથી તપાસ કોઈપણ અવરોધ વિના સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે આગળ વધી શકે.

'તપાસમાં સહયોગ નથી કરી રહ્યા ગિરીબાલા'

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું કે ગિરીબાલા સિંહ અત્યાર સુધી પોલીસ પૂછપરછ માટે હાજર થયા નથી, પરંતુ તેઓ સતત અલગ-અલગ ટીવી ચેનલોને ઇન્ટરવ્યુ આપીને દિવંગત ટ્વિશા શર્માને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમને તરત જ જામીન પણ મળી ગયા છે. તેમણે કોર્ટને જણાવ્યું કે તપાસ માટે જ્યારે તેમની પાસે તેમનો મોબાઈલ માંગવામાં આવ્યો ત્યારે તેમણે તેને લઈને પણ મુશ્કેલીઓ ઊભી કરી હતી.

સાથે જ ટ્વિશાના વકીલે જણાવ્યું કે ટ્વિશાની સાસુ મીડિયાને આપેલા પોતાના ઇન્ટરવ્યુમાં કોલ ડિટેલ્સ પણ આપી રહ્યા છે. કોર્ટે સોલિસિટર જનરલની આ વાતોને ગંભીરતાથી લીધી છે અને બંને પક્ષોના પરિવારોને કડક હિદાયત આપી છે કે તેઓ મીડિયામાં નિવેદનો આપવાને બદલે પોતાના નિવેદનો સીધા તપાસ એજન્સી પાસે રેકોર્ડ કરાવે.

'પરિવારે આગળ આવવું જોઈએ'

ટોચની અદાલતે કહ્યું કે એક યુવાન પુત્રી ગુમાવવા પર પરિવારને જે અસીમ પીડા અને દુઃખમાંથી પસાર થવું પડે છે, તેના પ્રત્યે અદાલતની સંપૂર્ણ સહાનુભૂતિ છે. આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ એક અત્યંત ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, પરિવારોએ યોગ્ય સમયે પોતાની દીકરીઓ માટે આગળ આવવું જોઈએ, કારણ કે એક મૃત દીકરી હોવા કરતાં દીકરી છૂટાછેડા લઈને તેમની સાથે સુરક્ષિત રહે તે ક્યાંય વધુ સારું છે.

'કોર્ટ પહેલાથી અભિપ્રાય બાંધવા નથી માંગતી'

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે મીડિયા અને સામાન્ય જનતાને આ સંવેદનશીલ મામલામાં કોઈપણ પ્રકારની મનઘડંત અટકળો લગાવવાથી સંપૂર્ણપણે દૂર રહેવાની અપીલ કરી. સીજેઆઈએ કહ્યું, 'અમે ઈચ્છીએ છીએ કે લોકો દેશની આ સર્વોચ્ચ તપાસ એજન્સી (CBI) કાર્યપ્રણાલી પર પૂરો ભરોસો રાખે. અદાલત અત્યારે એ મુદ્દાઓના પરિણામ પર પહેલાથી કોઈ અભિપ્રાય બાંધવા નથી માંગતી, જેની તપાસ થવાની હજુ બાકી છે.'

પરિવાર ટ્રાન્સફર પિટિશન દાખલ કરી શકે છે

આ ઉપરાંત ટ્વિશા શર્માના પરિવાર વતી દલીલ કરી રહેલા વકીલે અદાલતને જાણ કરી કે તેઓ આ આખા કેસની નિષ્પક્ષતા માટે તેને મધ્ય પ્રદેશ રાજ્યની બહાર અન્ય કોઈ રાજ્યમાં  ટ્રાન્સફર કરવાની માંગ કરી શકે છે. આના પર મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે કાયદાકીય રીતે આના પર કોઈ રોક નથી અને તેઓ આ માટે ગમે ત્યારે ટ્રાન્સફર પિટિશન દાખલ કરી શકે છે.