IAS-IPSની ફેક્ટરી છે આ નાનકડું ગામ, 75 પરિવારની વસ્તીમાંથી 47 અધિકારી
Uttar Pradesh News : ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લામાં આવેલા માધોપટ

Uttar Pradesh News : ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લામાં આવેલા માધોપટ્ટી ગામે એક કે બે નહી પરંતુ 47 જેટલા IAS અને IPS આપ્યા છે. માત્ર 75 પરીવાર અને 800 લોકોની વસ્તી ધરાવતા માધોપટ્ટીને આથી જ તો અફસરોના ગામ તરીકેની ઓળખ મળી છે. આ ગામના આઇએએસ અને આઇપીએસ અફસરો ઉત્તરપ્રદેશ અને બીજા રાજયોમાં સેવા આપે છે એટલું જ નહી આ ગામના સંતાનો ભાભા ઇન્સ્ટિટયૂટ અને વિશ્વબેંકમાં અધિકારી તરીકે ફરજ બજાવી ચુકયા છે જે પણ સનદી પરીક્ષા પાસ કરીને ઉચ્ચ અધિકારી બનવા ઇચ્છે છે તેમના માટે આ ગામ રોલ મોડેલ સમાન છે.
1952માં માધોપટ્ટી ગામના ઇન્દુપ્રકાશસિંહ સનદી અધિકારી બન્યા
આ અંતરિયાળ ગામમાં આજકાલથી નહી પરંતુ અંગ્રેજોના જમાનાથી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને અફસર બનવાની પરંપરા છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇસ 1914માં માધોપટ્ટી ગામના યુવક મુસ્તુફા હુસેનને અંગ્રેજોએ અધિકારી તરીકે પસંદ કર્યો હતો. 1947માં દેશ આઝાદ થયા પછી 1952માં માધોપટ્ટી ગામના ઇન્દુપ્રકાશસિંહ સનદી અધિકારી બન્યા હતા. ઇન્દુપ્રકાશ સિવિલ સર્વિસમાં જોડાયા એ પછી ગામમાં અફસર બનવાની હોડ જામી હતી. ઇન્દુપ્રકાશસિંહ ફ્રાંસ સહિત અનેક દેશોમાં રાજદૂત પણ રહયા હતા. ઇન્દુપ્રકાશ સહિત કુલ 4 સગા ભાઇઓએ સનદી અધિકારી બનીને રેકોર્ડ સ્થાપ્યો હતો.
એક જ પરીવારના ચાર ભાઇઓ આઇએસ બન્યા
1955માં વિનયસિંહે સનદી પરીક્ષા પાસ કરીને આગળ જતા બિહાર રાજયના મુખ્ય સચિવ બન્યા હતા. 1964માં તેમના બે સગાભાઇઓ છત્રપાલસિંહ અને અજયસિંહ એક સાથે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. જયારે ચોથા ક્રમના ભાઇ શશિકાંતસિંહ પણ 1968માં પરીક્ષા પાસ કરી સિવિલ સર્વિસમાં જોડાયા હતા. એક જ પરીવારના ચાર ભાઇઓ આઇએસ બન્યા પછી પણ આ ક્રમ અટકયો નથી. 2002માં શશીકાંતસિંહના પુત્ર યશસ્વી 31 માં ક્રમ સાથે સિવિસ સર્વિસ એકઝામમાં ઉર્તિણ થયા હતા.
માધોપટ્ટીના લોકોના જણાવ્યા અનુસાર પોતાના ગામે સ્પર્ધાત્ત્મક પરીક્ષાની જે આહલેક જગાડી છે તે સમગ્ર દેશમાં અનોખી છે. કોલેજમાં અભ્યાસ કરતા મોટા અફસર બનવુંએ દરેક યુવાનનું સપનું હોય છે તેના માટે તેઓ ખંતથી તૈયારીઓ પણ કરે છે. ગામના યુવક અને યુવતીઓ ઉપરાંત પરણીને આવેલી વહુઓ પણ સનદી અધિકારી બની છે. 1980માં આશાસિંહ, 1992માં ઉષાસિંહ તેના ઉદાહરણો છે.
1983માં ચંદ્રમોલસિંહ સાથે તેમના પત્ની ઇન્દુસિંહ, 1994માં ઇન્દુપ્રકાશસિંહ અને તેમના પત્ની સરિતાસિંહ સનદી પરીક્ષા પાસ કરી આઇપીએસ થયા હતા. માધોપટ્ટી ગામે 17જેટલા પીસીએસ અધિકારીઓ પણ આપ્યા છે. આ ગામના અન્મજયસિંહ મનીલા ખાતે વિશ્વબેંકમાં અધિકારી છે, લાલેન્દ્ર પ્રતાપસિંહ ભાભા ઇન્સ્ટિયૂટમાં સાયન્ટિસ્ટ તરીકે જયારે જ્ઞાનુ મિશ્રા રાષ્ટ્રીય અંતરિક્ષ સંસ્થામાં સેવાઓ આપે છે. નવાઇની વાત તો એ છે કે મોટા હોદા પર પહોંચ્યા પછી પણ અધિકારીઓ પોતાના ગામને ભૂલ્યા નથી. વાર તહેવારે ગામની મુલાકાત લઇને પરીવારજનોને મળે છે.








