VIDEO: સુપ્રીમ કોર્ટે યુવા વકીલોને આપી મોટી રાહત, જજ બનવા માટે અનુભવની શરત ઘટાડીને 1 વર્ષ કરી
દેશભરના લો ગ્રેજ્યુએટ્સ અને યુવા વકીલો માટે દેશની સુપ્રીમ કોર્ટ તરફથી એક ખૂબ જ મોટા રાહતના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના મે-2025ના ચુકાદામાં સુધારો કરતા સિવિલ જજ (જુનિયર ડિવિઝન) એટલે કે એન્ટ્રી-લેવલ જ્યુડિશિયરી પરીક્ષામાં બેસવા માટે ફરજિયાત 3 વર્ષના કાયદાકીય અનુભવની શરત ઘટાડીને 1 વર્ષ કરી દીધી છે. રિવ્યૂ પિટિશન પર 2-1ની બહુમતીથી આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેંચે આ મામલે સુનાવણી કરી હતી. બેંચે મે 2025ના ચુકાદા સામેની રિવ્યૂ પિટિશન પર આ ચુકાદો આપ્યો. જોકે, CJI સૂર્યકાંત અને જસ્ટિસ એ.જી. મસીહના બહુમતી ચુકાદા સાથે જસ્ટિસ કે. વિનોદ ચંદ્રને અસંમતિ દર્શાવી હતી. તેમણે પુનર્વિચાર અરજીઓ ફગાવી દેવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટનો આ નિર્ણય એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ મોટો છે જેઓ કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આ સેવામાં પ્રવેશ મેળવવા માંગે છે.

