રજનીકાંત અને કમલ હાસન જે ન કરી શક્યા તે વિજયે કરી બતાવ્યું: DMK-AIADMKના દબદબા વચ્ચે TVKનો ઉદય

સિનેમાના પડદે અનેક યાદગાર ભૂમિકાઓ ભજવનાર વિજય થલાપતિ આજે તમિલનાડુના રાજકીય મેદાનમાં પોતાની અસલી 'કમાન્ડ' સાબિત કરી દીધી છે. દાયકાઓથી જે રાજ્યમાં DMK અને AIADMKનો દબદબો રહ્યો છે, ત્યાં વિજયની નવી પાર્ટી 'તમિલગા વેટ્ટ્રી કઝગમ'(TVK) એ 100 બેઠકો પર શરૂઆતી સરસાઈ મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. આ માત્ર આંકડા નથી, પણ રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો જે ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું છે. તમિલનાડુની જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમને હવે માત્ર સ્ક્રીનનો નહીં, પણ વ્યવસ્થા બદલવાવાળો અસલી 'થલાપતિ' મળી ગયો છે.
રજનીકાંત અને કમલ હાસન ક્યાં થાપ ખાઈ ગયા?
તમિલનાડુમાં ફિલ્મી સિતારાઓ અને રાજકારણ વચ્ચે જૂનો અને અતૂટ સંબંધ રહ્યો છે, તેમ છતાં હાલના સમયમાં મોટા ગજાના સુપરસ્ટાર્સ આ ક્ષેત્રમાં જોઈએ તેવી સફળતા મેળવી શક્યા નથી. રજનીકાંતે વર્ષ 2017માં રાજનીતિમાં આવવાની જાહેરાત તો કરી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ ચોક્કસ પગલાં ન લેવાને કારણે અને છેવટે સ્વાસ્થ્યના કારણો આપીને પીછેહઠ કરવાથી જનતામાં તેમની વિશ્વસનીયતા ઓછી થઈ ગઈ. બીજી તરફ, કમલ હાસને પોતાની પાર્ટી 'મક્કલ નીધિ મય્યમ'(MNM) બનાવી ખરી, પણ તેમની 'બૌદ્ધિક રાજનીતિ' સામાન્ય લોકો માટે સમજવી અઘરી રહી અને તેમની પાસે પાયાના સ્તરે કામ કરી શકે તેવા મજબૂત કાર્યકરોનો પણ અભાવ જોવા મળ્યો.
વિજયનો માસ્ટરસ્ટ્રોક: ફેન્સ ક્લબને બનાવી શિસ્તબદ્ધ સેના
વિજયે અન્ય સ્ટાર્સની ભૂલોમાંથી શીખીને રાતોરાત રાજકારણમાં ઝંપલાવવાને બદલે વર્ષો સુધી તૈયારી કરી હતી. તેમનું 'વિજય મક્કલ ઇયક્કમ'(VMI) ફેન ક્લબ માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નહોતું. છેલ્લા 10 વર્ષથી આ ફેન્સ રક્તદાન, મફત ભોજન અને આપત્તિ રાહત જેવા સામાજિક કાર્યોમાં સક્રિય હતા. જ્યારે વિજયે પાર્ટી બનાવી, ત્યારે તેમની પાસે પહેલેથી જ એક શિસ્તબદ્ધ કેડર તૈયાર હતી.
યુવા મતદારો અને શિક્ષણ પર ધ્યાન
વિજયે પોતાનું પૂરું ધ્યાન પ્રથમવાર મતદાન કરનારા યુવાનો અને વિદ્યાર્થીઓ પર કેન્દ્રિત કર્યું. બોર્ડ પરીક્ષાના ટોપર્સને સન્માનિત કરવાના કાર્યક્રમો યોજીને અને વિદ્યાર્થીઓને 'પૈસા લઈને મત ન આપવાની' અપીલ કરીને તેમણે મધ્યમ વર્ગના વાલીઓમાં એક ગંભીર નેતાની છબી બનાવી. આ સિવાય, જયલલિતાના નિધન બાદ AIADMKની નબળાઈ અને DMK સામેની એન્ટિ-ઈન્કમ્બન્સીનો લાભ પણ વિજયને મળ્યો છે.
વિચારધારા અને જમીની જોડાણનું સંતુલન
વિજયે પોતાની રાજકીય વિચારધારામાં પેરિયાર, કામરાજ અને બી.આર. આંબેડકરના મૂલ્યોને અપનાવ્યા છે. તેમણે સામાજિક ન્યાય અને સર્વસમાવેશક રાજનીતિની વાત કરી છે. રેલીઓમાં ઉમટેલી ભીડને મતોમાં ફેરવવાનું મુશ્કેલ કામ વિજયે ખૂબ જ સચોટ રીતે કરી બતાવ્યું છે. 100 બેઠકો પરની આ સરસાઈ સાબિત કરે છે કે તમિલનાડુની જનતાએ તેમને માત્ર સિનેમા સ્ટાર તરીકે નહીં, પણ એક મજબૂત રાજકીય વિકલ્પ તરીકે સ્વીકારી લીધા છે. જો આ વલણ અકબંધ રહેશે, તો તે દિવસ દૂર નથી જ્યારે વિજય તમિલનાડુના અસલી 'થલાપતિ' તરીકે શાસન કરશે.

