VIDEO: રાષ્ટ્રગાન વાગતું રહ્યું અને UP વિધાનસભા સ્પીકર સતીશ મહાનાએ ચાલતી પકડી, વીડિયો વાયરલ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઉન્નાવમાં એક કાર્યક્રમ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના રાષ્ટ્રગાન (National Anthem) પૂર્ણ થાય તે પહેલાં જ મંચ પરથી નીચે ઉતરી જતા ચર્ચા શરૂ થઈ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
શનિવારે ઉન્નાવના પૂરન નગર વિસ્તારમાં આવેલી એક શાળામાં પ્રધાનાચાર્ય પરિષદનું 46મું પ્રાંતીય અધિવેશન, શૈક્ષણિક સંગોષ્ઠી અને સન્માન સમારોહ યોજાયો હતો. સતીશ મહાના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ (Protocol) મુજબ પોલીસ તરફથી તેમને ગાર્ડ ઓફ ઓનર (Guard of Honour) આપવામાં આવ્યું હતું.
ગાર્ડ ઓફ ઓનર બાદ તરત જ રાષ્ટ્રગાન શરૂ થયું હતું. અહેવાલ મુજબ રાષ્ટ્રગાન હજુ ચાલુ હતું ત્યારે સતીશ મહાનાએ સલામી આપી અને મંચની પાછળની તરફથી નીચે ઉતરી ગયા. વીડિયોમાં તેઓ કાન પાસે કંઈક ઠીક કરતા જોવા મળે છે અને ત્યારબાદ મંચ પરથી નીચે જતા દેખાય છે.
આ દરમિયાન રાષ્ટ્રગાન ચાલી રહ્યું હતું ત્યારે થોડે દૂર ઉભેલા તેમના કેટલાક સમર્થકો પણ તેમની પાસે પહોંચ્યા હતા અને પગે લાગતા જોવા મળ્યા હતા. ત્યારબાદ સતીશ મહાના પોતાની ગાડીમાં બેસીને કાર્યક્રમ સ્થળેથી રવાના થઈ ગયા હોવાનું જણાવવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં શિક્ષકોના મુદ્દે પણ વાત કરી
કાર્યક્રમ દરમિયાન સતીશ મહાનાએ ‘શિક્ષા પ્રભા’ નામના પુસ્તકનું વિમોચન (Book Launch) પણ કર્યું હતું. તેમણે શિક્ષણ વ્યવસ્થાના મહત્વ અંગે વાત કરતાં કહ્યું કે જો શિક્ષણ સંસ્થાઓ મજબૂત બનશે તો દેશ પણ મજબૂત બનશે.
તેમણે જણાવ્યું કે શિક્ષકોની સમસ્યાઓ અંગે આગામી વિધાનસભાના ચોમાસુ સત્ર (Monsoon Session)માં ચર્ચા કરવામાં આવશે અને તેમની સમસ્યાઓ સાંભળવામાં આવશે.
કાર્યક્રમ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ (Press Conference)માં સતીશ મહાનાએ શ્રીરામ જન્મભૂમિ આંદોલનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કરોડો લોકો આ સંઘર્ષમાં જોડાયા હતા. મંદિર માટે આપવામાં આવેલી રકમ ભગવાનને સમર્પણ હતી અને તેને પરત માંગવાની વાત દુઃખદ છે.
હાલમાં રાષ્ટ્રગાન દરમિયાન મંચ છોડવાના વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

