અટલજી, અડવાણીજી અને પ્રકાશ સિંહ બાદલનો વારસો ફરી એક સાથે: અકાલી દળ-ભાજપ ગઠબંધન પર PM મોદીનું મોટું નિવેદન

અટલજી, અડવાણીજી અને પ્રકાશ સિંહ બાદલનો વારસો ફરી એક સાથે: અકાલી દળ-ભાજપ ગઠબંધન પર PM મોદીનું મોટું નિવેદન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પંજાબના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ હેઠળ શિરોમણી અકાલી દળ (SAD) ફરી એકવાર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) માં સામેલ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ટ્વીટ કરીને આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે અને અકાલી દળનું NDA પરિવારમાં સ્વાગત કર્યું છે.

પ્રકાશ પર્વના અવસરે ગઠબંધનનું સ્વાગત

જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, "પંજાબ અને પંજાબીઓના કલ્યાણને સર્વોપરી રાખીને, મને અત્યંત આનંદ થાય છે કે શિરોમણી અકાલી દળ NDA પરિવારમાં પરત ફર્યું છે, અને તે પણ શ્રી ગુરુ નાનક દેવ જીના પ્રકાશ પર્વના પાવન અવસરે." તેમણે આ જોડાણને પંજાબના ભવિષ્ય માટે સકારાત્મક ગણાવ્યું હતું.

જૂના નેતાઓના વારસાને કર્યો યાદ

ભાજપ અને અકાલી દળના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને લખ્યું કે, "અમારું આ એક સ્વાભાવિક ગઠબંધન છે, જે સુનિશ્ચિત કરશે કે પંજાબને લોકોપયોગી શાસન મળે અને રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરે. અટલજી (અટલ બિહારી વાજપેયી), અડવાણીજી (લાલકૃષ્ણ અડવાણી) અને સરદાર પ્રકાશ સિંહ બાદલજી દ્વારા સિંચવામાં આવેલું અકાલી દળ-ભાજપ ગઠબંધન સમયની કસોટી પર ખરું ઉતર્યું છે."

પંજાબની જનતાનો વિશ્વાસ જીતવાનો દાવો

વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશના અંતમાં આગામી સમયમાં રાજ્યની જનતાના સમર્થન અંગે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મને પૂરો વિશ્વાસ છે કે અમારું ગઠબંધન પંજાબના લોકોની પ્રથમ પસંદગી બનીને ઉભરી આવશે."

આ સમાચાર શેર કરો

જાહેરાત