VIDEO: ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો!
ઝારખંડની રાજધાની રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે JPSC અને JSSC પરીક્ષાઓમાં થયેલી કથિત ગડબડી અને પેપર લીક વિરુદ્ધ વિદ્યાર્થીઓ છેલ્લા બે અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી ધરણાં અને અનશન પર બેઠા છે. આ આંદોલનમાં આમરણાંત ભૂખ હડતાળ પર બેઠેલા ચાર પ્રદર્શનકારીઓમાંથી એક રાહુલ નામના યુવકની તબિયત અચાનક લથડી છે. ચાર દિવસથી અન્ન-જળ ત્યાગીને બેઠેલા રાહુલનું શરીર તાવથી તપી રહ્યું હોવાથી સ્થળ પર હાજર ડોકટરો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા છે. રાહુલે સહાયક શિક્ષક પરીક્ષા પાસ કરી હોવા છતાં તેને નિયુક્તિ મળી નહોતી અને વિદ્યાર્થીઓનો આરોપ છે કે સરકારમાં બેકડોર સેટિંગને કારણે તેમની મહેનત પાણીમાં ગઈ છે.
આંદોલનને રાહુલ ગાંધીનું સમર્થન અને વિદ્યાર્થીઓની વેદના
પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ વિરોધ માત્ર એક વ્યક્તિની તબિયત બગાડવાનો મામલો નથી, પરંતુ લાંબા સમયથી ચાલી રહેલી નારાજગી અને આક્રોશનું પરિણામ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, અમે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પણ વાત કરી છે, જેમણે મારી માંગણીઓનું સમર્થન કર્યું છે અને હવે તેઓ અમારી સાથે રૂબરૂ મુલાકાત માટે સમય મળવાની રાહ જોઈ રહ્યા છે.'
'સરકારનું વલણ અત્યંત સંવેદનહીન': વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો
વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોએ સરકારના વલણ સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, 'મારો ચહેરો જ મારી સ્વાસ્થ્ય સ્થિતિ બતાવી રહ્યો છે. હું માત્ર થોડું સાંભળી, વિચારી અને બોલી શકું છું, બાકીના અંગો સાથ નથી આપી રહ્યા.અમે સરકાર સાથે મળીને એવી મજબૂત વ્યવસ્થા બનાવવા માંગીએ છીએ જેમાં ભવિષ્યમાં ધાંધલી કે પેપર લીક થવાની કોઈ શક્યતા જ ન રહે.'
સ્થાનીય લોકો અને દેશભરમાંથી મળી રહ્યું છે સમર્થન
રાંચીમાં પ્રદર્શન કરી રહેલા આ વિદ્યાર્થીઓને સ્થાનિક નાગરિકો અને વેપારીઓનો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે. લોકો મદદ માટે ઓનલાઈન અને રોકડ રકમ આપવા પહોંચી રહ્યા છે, પરંતુ આંદોલનકારી વિદ્યાર્થીઓ નાણાકીય સહાય લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. ખરાબ હવામાન અને વરસાદ વચ્ચે આંદોલન ચાલુ હોવાથી CJP દ્વારા વિદ્યાર્થીઓ માટે રેનકોટ મોકલવામાં આવ્યા છે, જ્યારે સંગઠનનું નેતૃત્વ પણ રાંચી પહોંચી રહ્યું છે.

