VIDEO: આકાશમાં મોતનો ખેલ અને કેપ્ટન સ્મિતની જાંબાઝી! ઇજાગ્રસ્ત હોવા છતાં વિમાન બચાવ્યું, PM મોદીએ પણ કર્યો ફોન!
ફ્લાયદુબઈ વિમાન પર થયેલા આતંકી હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ કેપ્ટન સ્મિતની અપ્રતિમ બહાદુરી અને સમયસૂચકતાની દેશ-વિદેશમાં ભારોભાર પ્રશંસા થઈ રહી છે. આ ઘટના અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ કેપ્ટન સ્મિતના સાહસને બિરદાવતા દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, "આ ખૂબ જ ચોંકાવનારી ઘટના હતી, પરંતુ કેપ્ટન સ્મિતે જે અદભુત બહાદુરી દર્શાવી છે તેના પર આપણને સૌને ગર્વ છે. પોતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં તેમણે પરિસ્થિતિ પર કાબૂ રાખ્યો, વિમાનની સલામતી સુનિશ્ચિત કરી, તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું અને અનેક નિર્દોષ મુસાફરોના જીવ બચાવ્યા."
વૈશ્વિક સ્તરે પ્રશંસા
કેપ્ટન સ્મિતના આ પરાક્રમની માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સરાહના થઈ રહી છે. વડાપ્રધાને વ્યક્તિગત રીતે કેપ્ટન સ્મિતના પરિવાર સાથે વાતચીત કરી તેમની તબિયત વિશે પૃચ્છા કરી છે અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે. હાલ સંબંધિત સત્તાવાળાઓ કેપ્ટન સ્મિતની સારવાર અને દેખરેખ રાખી રહ્યા છે, અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ પરિવારના સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સમગ્ર મામલે તપાસ કેવી રીતે આગળ વધશે તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. સંબંધિત પક્ષો તરફથી ઔપચારિક જાણકારી મળ્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

