VIDEO: ‘જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે!’ પવન ખેડાનું દિલ્હીથી સરકાર સામે મોટું એલાન!
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદી સુધારણા (SIR) વિવાદને લઈને વિપક્ષી દળોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. નવી દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા પવન ખેડાએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની તમામ માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી આ આંદોલન અટકશે નહીં.
મીડિયા સાથે વાતચીત કરતા પવન ખેડાએ જણાવ્યું હતું કે, "અમારા 10 સભ્યો આવેદનપત્ર આપવા માટે અંદર જઈ રહ્યા છે. અમારો આ શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રહેશે. અમારું આંદોલન સતત ચાલશે અને જ્યાં સુધી અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત નહીં કરીએ ત્યાં સુધી તે અટકશે નહીં."
તેમણે વિપક્ષની મુખ્ય માગણીઓ સ્પષ્ટ કરતાં ઉમેર્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તાત્કાલિક પદ પરથી રાજીનામું આપે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની પ્રક્રિયા તાકીદે સ્થગિત કરવામાં આવે. મતદાર યાદીમાંથી કથિત રીતે હટાવવામાં આવેલા 13.8 કરોડ લોકોના નામ ફરીથી સામેલ કરવામાં આવે. આગામી ચૂંટણીઓ ઇવીએમના બદલે બેલેટ પેપર દ્વારા કરાવવામાં આવે. સંસદમાં પસાર કરાયેલી તે જોગવાઈ પાછી ખેંચવામાં આવે, જેના હેઠળ ચૂંટણી કમિશનરને કથિત રીતે આજીવન કાનૂની સંરક્ષણ (ઇમ્યુનિટી) આપવામાં આવ્યું છે.
પવન ખેડાએ ભારપૂર્વક કહ્યું હતું કે લોકશાહી અને સામાન્ય નાગરિકોના મતાધિકારના રક્ષણ માટે વિપક્ષનો આ શાંતિપૂર્ણ સંઘર્ષ ચાલુ રહેશે.

