ચૂંટણી પંચે TMCનું નામ અને પ્રતીક ફ્રીઝ કર્યું, બંને જૂથને નવા નામ-ચિહ્ન પસંદ કરવાનો આદેશ

વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. મમતા બેનર્જી અને ઋતબ્રત બેનર્જી વચ્ચે પાર્ટીના નામ અને ચૂંટણી પ્રતીક અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ચૂંટણી પંચે પેટાચૂંટણી પહેલા પાર્ટીનું જૂનું પ્રતીક 'બે ફૂલ' અને નામ સ્થગિત/ફ્રીઝ કરી દીધું છે. નંદીગ્રામ અને રેજીનગરમાં બંને જૂથો હવે અલગ-અલગ પ્રતીકો પર ચૂંટણી લડશે. એટલે કે પંચે બંને જૂથોને અલગ-અલગ ચૂંટણી પ્રતીકો ફાળવી દીધા છે. બંને પક્ષો પાસેથી 18 સપ્ટેમ્બર સુધી પાર્ટી માટે ત્રણ નામ અને ફ્રી ચૂંટણી ચિન્હની યાદીમાંથી ત્રણ ચૂંટણી પ્રતીકોના વિકલ્પો મંગાવવામાં આવ્યા છે.
6 ઓક્ટોબરે પેટા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા વિસ્તારોમાં 6 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી માટે બુધવારે તૃણમૂલ કોંગ્રેસના બંને જૂથોના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. તેમણે તૃણમૂલ કોંગ્રેસના નામ અને 'બે ફૂલ' ચૂંટણી પ્રતીક સાથે ફોર્મ ભર્યું હતું. જો કે હવે પંચનો નિર્ણય આવી ગયો છે, તેથી બંને પક્ષોના ઉમેદવારો અલગ-અલગ પ્રતીકો પર ચૂંટણી લડશે.
ચૂંટણી પંચે ગુરુવારે જાહેર કરેલા વચગાળાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે ઋતબ્રત બેનરજી અને અરૂપ રોયના નેતૃત્વવાળું જૂથ અને મમતા બેનરજીના નેતૃત્વવાળું જૂથમાંથી કોઈ પણ 'ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ' નામના સીધો ઉપયોગ કરી શકશે નહીં. બંને જૂથોને 'બે ફૂલ અને ઘાસ' પ્રતીકનો ઉપયોગ કરવાથી પણ મનાઈ કરવામાં આવી છે, જે પાર્ટી માટે અનામત છે.
નવા નામ અને પ્રતીકો મેળવવાની પ્રક્રિયા
પંચે કહ્યું કે બંને જૂથો પોતાના અલગ-અલગ નામ પસંદ કરી શકે છે. જો તેઓ ઈચ્છે તો મૂળ પાર્ટીના નામ સાથે જોડાણ પણ દર્શાવી શકે છે. સાથે જ બંને જૂથોને ફ્રી સિમ્બોલની યાદીમાંથી અલગ-અલગ ચૂંટણી પ્રતીકો ફાળવવામાં આવશે.
18 સપ્ટેમ્બર સુધી વિકલ્પો રજૂ કરવાનો આદેશ
પંચે બંને પક્ષોને નિર્દેશ આપ્યો છે કે તેઓ 18 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 11 વાગ્યા સુધી પોતાના જૂથ માટે ત્રણ નામના વિકલ્પો અને ત્રણ ફ્રી સિમ્બોલના વિકલ્પો (પસંદગીના ક્રમમાં) જમા કરાવે. આ વચગાળાની વ્યવસ્થા માત્ર વર્તમાન પેટાચૂંટણીઓ માટે લાગુ રહેશે અને સિંબોલ્સ ઓર્ડર 1968ના પેરા 15 હેઠળ વિવાદના અંતિમ નિર્ણય સુધી ચાલુ રહેશે.
ચૂંટણી પંચ સમક્ષ પ્રતિનિધિમંડળની રજૂઆત
ગુરુવારે ચૂંટણી પંચે બંને જૂથોની અલગ-અલગ સુનાવણી કરી હતી. પહેલા ઋતબ્રત બેનરજીના નેતૃત્વવાળું જૂથ પંચ સમક્ષ પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં ઋતબ્રત બેનરજી ઉપરાંત ચંદ્રિમા ભટ્ટાચાર્ય, અકરુલ ઝમાન, અરૂપ રોય અને એક વકીલ સામેલ હતા. અરૂપ રોયને આ જૂથે પક્ષના ચેરપર્સન ચૂંટ્યા છે. હાલમાં પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા બેઠકો પર 6 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. બંને બેઠકો પર TMCના બંને જૂથોએ પોતાના ઉમેદવારો ઉતાર્યા છે અને પાર્ટીના નામ તથા ચૂંટણી પ્રતીક પર દાવો કર્યો છે.

