કેન્દ્ર સરકારે દિલ્હીમાં બ્લાસ્ટના હુમલાને આતંકી ઘટના ગણાવી, PM મોદીએ કેબિનેટ બેઠક યોજી

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક સોમવાર સાંજે બ્લાસ્ટ થયો હતો. જેને લઈ દેશભરમાં આ હુમલાની જ ચર્ચા ચાલી રહી છે. આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 12 લોકોના જીવ ગયા છે. આ મામલો ઘણો ગંભીર જણાઈ રહ્યો છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ આજે(12 નવેમ્બર) દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં મૃતકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પણ અલગથી એક બેઠક યોજાઈ હતી.
વડાપ્રધાન આવાસ પર યોજાયેલી આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકર અને NSA અજિત ડોભાલ સામેલ રહ્યા હતા. તપાસ, સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ. જણાવી દઈએ કે, લાલ કિલ્લા બ્લાસ્ટની ઘટનાની તપાસ ઘણી તેજીથી આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે દિલ્હીમાં બ્લાસ્ટના હુમલાને આતંકી ઘટના ગણાવી છે.
દિલ્હીમાં કાર બ્લાસ્ટની જઘન્ય આતંકી ઘટના: કેબિનેટ
કેબિનેટે દિલ્હીમાં કાર બ્લાસ્ટની જઘન્ય આતંકી ઘટના ગણાવી છે. દિલ્હી બ્લાસ્ટના મૃતકોને કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ અપાઈ અને ઇજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરાઈ હતી. તમામ મંત્રીઓએ 2 મિનિટનું મૌન પાળ્યું હતું. કેબિનેટે બ્લાસ્ટની આકરી નિંદા કરી હતી. બેઠક અંગે પિયૂષ ગોયલે જણાવ્યું કે, કેબિનેટે દુનિયાભરથી એકજુટતા માટે આભાર માન્યો છે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સની નીતિ છે. પરિસ્થિતિ પર સતત દેખરેખ રખાઈ રહી છે. કેબિનેટે ઝડપી તપાસના આદેશ આપ્યા છે. કેબિનેટ બેઠકમાં ત્રણ નિર્ણયો લેવાયા છે.

