Video: જમ્મુ કાશ્મીરના કઠુઆના પહાડી વિસ્તારમાં છ કરોડના ખર્ચે તૈયાર થશે બ્રિજ...ગ્રામજનોએ કહ્યું આખરે અમે ભારત સાથે જોડાઈશું..

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં દાયકાઓથી કનેક્ટિવિટીનો ગંભીર અભાવ હતો. ચોમાસા દરમિયાન નાલાઓમાં પાણી ભરાવાથી પાંચથી છ પંચાયતોના નાગરિકો સંપર્ક વિહોણા બની જતા હતા. સ્થાનિક અગ્રણીઓએ આ સમસ્યા વિધાનસભા ગૃહમાં પણ ભારપૂર્વક ઉઠાવી હતી. કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશના સહયોગથી આ દુર્ગમ વિસ્તારમાં વિકાસના દ્વાર ખૂલ્યા છે.
કોઠી કઠાડ પુલના નિર્માણથી મહાનપુર હાયર સેકન્ડરી સ્કૂલ અને કઠુઆ કે બિલાવરના કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓનો અભ્યાસ સુરક્ષિત બનશે. આ અગાઉ વર્ષ ૧૯૮૩માં આ જ નાલામાં પૂરના પ્રકોપ સર્જાવાથી ગંભીર દુર્ઘટનાઓ પણ ઘટી ચૂકી છે. હવે પાક્કા પુલના નિર્માણથી સ્થાનિક પ્રજાને જીવના જોખમે મુસાફરીમાંથી કાયમી મુક્તિ મળશે અને વાહનવ્યવહાર સરળ બનશે.
પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળ તપાસ અને સર્વેની પ્રક્રિયા પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને પ્રત્યક્ષ કામગીરી શરૂ કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ અને સ્થાનિક જનપ્રતિનિધિઓના વિશેષ પ્રયાસોથી આ યોજના સાકાર થઈ છે. આ પગલાથી ગ્રામીણ અર્થતંત્ર અને કનેક્ટિવિટીને વેગ મળશે તથા પ્રજાની આજીવિકા સુધરશે.








