'આભાર તિરુવનંતપુરમ! કેરળના રાજકારણમાં આ ઐતિહાસિક ક્ષણ', PM MODIએ કરી ખાસ ટ્વીટ

કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી પૂર્ણ થઈ છે. તિરુવનંતપુરમમાં NDAની ઐતિહાસિક જીત પર PM મોદીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તિરુવનંતપુરમના લોકોનો આભાર માનવા સાથે LDF અને UDF પર પણ નિશાન સાધ્યું હતું.
કેરળના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ
PM મોદીએ X પર લખ્યું, "આભાર તિરુવનંતપુરમ! તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ-NDAને મળેલો જનાદેશ કેરળના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ છે. લોકોને સંપૂર્ણ વિશ્વાસ છે કે ફક્ત અમારી પાર્ટી જ રાજ્યની વિકાસની આકાંક્ષાઓ પૂર્ણ કરી શકશે. અમારી પાર્ટી આ જીવંત શહેરના વિકાસ અને લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે કામ કરશે.
મહેનતુ કાર્યકરોનો આભાર
પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, "તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉત્તમ પરિણામો સુનિશ્ચિત કરનારા તમામ મહેનતુ ભાજપ કાર્યકરો પ્રત્યે હું મારી લાગણી વ્યક્ત કરું છું. આજનો દિવસ કેરળના પાયાના કાર્યકરોની વર્ષોની મહેનત અને સંઘર્ષને યાદ કરવાનો દિવસ છે. જેમણે આજના આ પરિણામોને સાકાર કર્યા છે. અમારા કાર્યકરો અમારી તાકાત છે અને તેમના પર અમને ગર્વ છે!
કેરળના લોકો UDF-LDFથી કંટાળી ગયા
કેરળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેની બીજી પોસ્ટમાં લખ્યું કે, હું કેરળના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જેમણે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ અને NDA ઉમેદવારોને મત આપ્યા. કેરળના લોકો UDF અને LDFથી કંટાળી ગયા છે. તેઓ NDAને એકમાત્ર વિકલ્પ તરીકે જુએ છે જે સુશાસન પૂરું પાડી શકે છે.
NDAએ મોટી જીત નોંધાવી
તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં NDAએ જંગી વિજય નોંધાવતા કુલ 50 બેઠકો જીતી છે. જ્યારે LDFએ 29, UDFએ 19 અને અન્ય બે બેઠકો જીતી છે.

