VIDEO: ટપકેશ્વર મહાદેવ મંદિર નજીક તમસા નદી ઉફાન પર: સતત ભારે વરસાદથી દહેરાદૂનમાં હાઇ એલર્ટ
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં સતત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર નજીકથી વહેતી તમસા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પહાડી વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના લીધે તમસા નદીમાં પાણીની આવકમાં ભયજનક વધારો થયો છે, જેનાથી પૂરના પાણી મંદિર પ્રાંગણ અને આસપાસના વિસ્તારો સુધી પહોંચી ગયા છે. ધસમસતા પાણીના પ્રવાહને કારણે મંદિર પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને શ્રદ્ધાળુઓ માટે જોખમી સ્થિતિ નિર્માણ થઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક વિસ્તારને ખાલી કરાવીને સુરક્ષા ઘેરો મજબૂત કર્યો છે. સ્થાનિક નાગરિકો અને દર્શનાર્થીઓને નદીકાંઠાથી દૂર રહેવાની સખત સૂચના આપવામાં આવી છે. SDRF અને સ્થાનિક પોલીસની ટીમોને સતત મોનિટરિંગ અને રાહત કામગીરી માટે ઘટનાસ્થળે તૈનાત રાખવામાં આવી છે.

