VIDEO: 'આરોપી કોર્પોરેટરને સસ્પેન્ડ કરી સરઘસ કાઢો', હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલા મુદ્દે આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રીને આપી ચેતવણી!
કેડીએ

કેડીએમસી (KDMC) શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સ પર થયેલા હુમલાના મામલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. શિવસેના (UBT) ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરતા મુખ્યમંત્રી અને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.
આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, “મેં સરકાર અને મુખ્યમંત્રીને માત્ર એ કોર્પોરેટરની ધરપકડ કરવા માટે જ નહીં, પરંતુ તેને તેના પદ પરથી અયોગ્ય (disqualify) ઠેરવવા, તેની ધરપકડ કરીને આખા ડોમ્બિવલી અને કલ્યાણમાં તેનું સરઘસ કાઢવા માટે કહ્યું છે. જેથી દરેક વ્યક્તિને ખબર પડે કે તમે કોઈના પર પણ આ રીતે હુમલો ન કરી શકો, ખાસ કરીને ડોક્ટર કે નર્સ પર તો બિલકુલ નહીં.”
શા માટે થયો હતો વિવાદ?
ઘટના પાછળનું કારણ જણાવતા આદિત્ય ઠાકરેએ કહ્યું, “ડોક્ટરોએ ખૂબ જ આદરપૂર્વક એક સગર્ભા મહિલાને બીજી હોસ્પિટલમાં શિફ્ટ થવા માટે કહ્યું હતું, જેથી જો અધૂરા મહિને જન્મેલા બાળકને NICU બેડની જરૂર પડે, તો મહિલાને તે મળી શકે. કારણ કે આ હોસ્પિટલમાં NICU બેડ પહેલેથી જ સંપૂર્ણ ભરાયેલા હતા. તો પછી આટલો વિવાદ વધારવાનું કારણ શું હતું?”
મુખ્યમંત્રી પર ઉઠાવ્યા સવાલ
સરકારની ઈચ્છાશક્તિ પર સવાલ ઉઠાવતા ઠાકરેએ ઉમેર્યું કે, “સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો મુખ્યમંત્રી પોતે પણ આ કોર્પોરેટરની ધરપકડ કરવા માંગતા હોય કે તેને પદ પરથી હટાવવા માંગતા હોય, તો શું તેઓ તેમ કરી શકશે? અને શું તેઓ તેમ કરશે ખરા?”






