'...તો નેતાજીની પુત્રીને કોર્ટમાં આવવા દો, સુભાષચંદ્ર બોઝના અસ્થિ પાછી લાવવાની અરજી સુપ્રીમે ફગાવી

સુપ્રીમ કોર્ટે હાલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના અસ્થિ જાપાનથી ભારત પાછી લાવવાની અરજી પર સુનાવણી કરવાની ના પાડી છે. નેતાજીના પ્રપૌત્ર દ્વારા દાખલ કરાયેલી અરજી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોય માલ્યા બાગચી અને ન્યાયાધીશ વિપુલ એમ. પંચોલીની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. અરજદારની દલીલનો જવાબ આપતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, અનિતા બોઝ નેતાજીના વારસદાર છે. સીજેઆઈ જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું, "આ મુદ્દો ફરી એકવાર કોર્ટ સમક્ષ આવ્યો છે. આ મુદ્દો કોર્ટ સમક્ષ કેટલીવાર આવશે?"
મુખ્ય ન્યાયાધીશે કહ્યું, "નેતાજી આપણા દેશના મહાન નેતાઓમાંના એક હતા. આપણે બધા તેમના સર્વોચ્ચ બલિદાનને નમન કરીએ છીએ. પરંતુ તેમના પરિવારના કેટલા સભ્યો છે? બેન્ચે પ્રશ્ન કર્યો કે, અસ્થિઓની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કારણ કે અત્યાર સુધી એ નક્કી નથી થઈ શક્યું કે નેતાજીનું મૃત્યું ક્યાં અને ક્યારે થયું હતું. આ મુદ્દે વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે, ઘણા ભારતીય વડા પ્રધાનોએ જાપાનના ટોક્યોમાં આવેલા રંકોજી મંદિરમાં નેતાજીના અવશેષોને શ્રદ્ધાંજલિ આપી છે. નેતાજીની એકમાત્ર પુત્રી અનિતા બોઝ અત્યારે ઓનલાઈન હાજર છે.
જસ્ટિસ બાગચીએ જણાવ્યું કે, એમના વારસોને જ કોર્ટમાં આવવા દો, તેઓ એની માંગ કરી રહ્યા છે. અમે તેમની ભાવનાઓનો આદર કરીએ છીએ. અમે ખાતરી કરીશું કે તેમની લાગણીઓ પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે, પરંતુ તેમને કોર્ટમાં આવવા દો. સીજેઆઈ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે આ પ્રકારની અરજી કરવાનો આ સમય નથી. "અમે સમજીએ છીએ કે આ સમયે અરજી શા માટે દાખલ કરવામાં આવી રહી છે. એના સમયથી પણ વાકેફ છીએ. કોર્ટે જણાવ્યું હતું કે જો નેતાજીના કાનૂની વારસદારો કોર્ટમાં આવશે તો અમે તેમને સાંભળીશું.

