સુપ્રીમ કોર્ટનો આસારામને ઝટકો: સગીરા પર દુષ્કર્મ કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર

જોધપુર આશ્રમમાં સગીર બાળકી પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. નબળી સ્વાસ્થ્ય સ્થિતિના આધારે વચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટે હાલ પૂરતો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આસારામની અરજીને પેન્ડિંગ રાખતા જણાવ્યું છે કે, જો તેમની તબિયત વધુ બગડે તો તેઓ ભવિષ્યમાં ફરીથી વચગાળાના જામીન માટે અપીલ કરી શકે છે.
રાજસ્થાન સરકારનો આરોપ: હાઈકોર્ટમાં માહિતી છુપાવી
રાજસ્થાન સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ આરોપ લગાવ્યો હતો કે, આસારામે રાજસ્થાન હાઈકોર્ટમાંથી 20 દિવસના પેરોલની માગણી કરતી વખતે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી વચગાળાના જામીન અંગેની પ્રક્રિયાની વાત છુપાવી હતી. હાલમાં હાઈકોર્ટ તરફથી આસારામને 20 દિવસના પેરોલ મળેલા છે. વચગાળાના જામીન અંગેની અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આસારામની તબીબી સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે એઈમ્સ (AIIMS) પાસે વિગતવાર મેડિકલ રિપોર્ટ માગ્યો હતો.
એઈમ્સનો રિપોર્ટ: હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી
સુપ્રીમ કોર્ટ એ જાણવા માગતી હતી કે આસારામની તબિયત ખરેખર કેટલી ગંભીર છે અને શું તેમને તબીબી આધારે રાહત આપવી જોઈએ. AIIMS દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવાયું છે કે આસારામને હાલ હોસ્પિટલમાં દાખલ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ તેમના સ્વાસ્થ્ય પર 24 કલાક નિરીક્ષણ રાખવું જરૂરી છે.
સુપ્રીમ કોર્ટે આપી આ છૂટછાટ
સુપ્રીમ કોર્ટે આસારામને તેમની પસંદગીનો એક સંભાળ રાખનાર વ્યક્તિ 24 કલાક સાથે રાખવાની મંજૂરી આપી છે. આ સાથે જ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં સ્વાસ્થ્ય વધુ કથળે તો તેઓ ફરી કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે. બીજી તરફ, જ્યારે સોલિસિટર જનરલે માહિતી છુપાવીને પેરોલ મેળવવાની વાત કરી ત્યારે સુપ્રીમ કોર્ટે આ વર્તનની સખત નિંદા કરી હતી. નોંધનીય છે કે રાજસ્થાન હાઈકોર્ટે આસારામની લાંબી જેલની સજા અને અગાઉના વર્તનને ધ્યાનમાં રાખીને તેમને 20 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા.

