VIDEO: વારાણસી એરપોર્ટ પર પિસ્તોલમાંથી અચાનક ફાયરિંગ, ગોળી વાગતાં 2 સ્ટાફ મેમ્બર ઈજાગ્રસ્ત
Varansi Airport Firing News : વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર એર ઈન્ડિયાની ફ્લાઈટથી મુંબઈ જઈ રહેલા આઝમગઢના એક મુસાફરની પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટી ગઈ હતી. પિસ્તોલમાંથી નીકળેલી ગોળી ફ્લોર (જમીન) સાથે અથડાયા બાદ નજીકમાં જ ઊભેલા એક યુવકના હાથમાં અને એક મહિલાની જાંઘમાં વાગી હતી. આ દુર્ઘટનામાં સ્ટાફના બે લોકો ઘાયલ થયા છે. ઘટના બનતાની સાથે જ બંને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હરહુઆ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આઝમગઢનો રહેવાસી એક મુસાફર એર ઈન્ડિયાની ફ્લાઈટ પકડીને મુંબઈની મુસાફરી કરવાનો હતો. નિયમ મુજબ સુરક્ષા પ્રક્રિયા હેઠળ મુસાફરે પોતાની પાસે રહેલી પિસ્તોલ અને મેગેઝીનની માહિતી પહેલાથી જ અધિકારીઓને જાહેર (ડિકલેર) કરી દીધી હતી. પરંતુ ચેકિંગ પ્રક્રિયા દરમિયાન અચાનક પિસ્તોલમાંથી ગોળી છૂટી ગઈ હતી અને જમીન સાથે અથડાઈને પાસે ઊભેલા યુવકના હાથમાં તથા મહિલાની જાંઘમાં વાગી ગઈ હતી. ગોળી વાગતા જ બંને કર્મચારીઓ લોહીલુહાણ થઈ ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન ચાલી ગોળી
વારાણસી એરપોર્ટના ડાયરેક્ટર પુનીત ગુપ્તાના જણાવ્યા અનુસાર, હથિયાર અને તેના કાગળોની તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન જ આ ગોળી ચાલી ગઈ હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જ્યારે હથિયાર અને દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી હતી ત્યારે હથિયારના માલિક અને સ્ટાફના સભ્યો બંને ત્યાં હાજર હતા. ગોળી વાગવાથી ઘવાયેલા મહિલા અને પુરુષ સ્ટાફ મેમ્બરની હાલત હાલ સામાન્ય છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

