VIDEO: 'જંતરમંતરની જેમ રાંચીમાં વિદ્યાર્થીઓને દોડાવી દોડાવીને માર્યા', વિધાનસભા બહાર ફરીથી પોલીસે કર્યો લાઠીચાર્જ
ઝારખંડના પાટનગર રાંચીમાં JPSC અને JSSC ભરતી પરીક્ષાઓમાં માર્ક્સ તથા પ્રક્રિયામાં ગેરરીતિઓના આરોપો સામે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસે ફરી એકવાર આકરો બળપ્રયોગ કરતાં દોડધામ મચી ગઈ છે. ઝારખંડ વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે બપોરથી જ હજારો વિદ્યાર્થીઓ વિધાનસભા ઘેરાવ કરવા માટે પરિસર બહાર એકઠા થયા હતા.
વિધાનસભા બહાર પોલીસ લાઠીચાર્જ અને વિડીયો વાયરલ
સાંજના સમયે સ્થિતિ વણસતાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને વિખેરવા માટે પોલીસ બળે લાઠીચાર્જ કર્યો હતો. ઘટના સ્થળેથી સામે આવેલા વિડીયોમાં પોલીસ કર્મચારીઓ દોડાવી-દોડાવીને પ્રદર્શનકારી યુવાનોને માર મારતા નજરે પડે છે. પ્રદર્શનકારીઓને આગળ વધતા રોકવા માટે પોલીસે વોટર કેનન અને ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કર્યો હતો.
રાહુલ ગાંધીની આકરી પ્રતિક્રિયા
આ ઘટના અગાઉ અને હાલની પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે રાંચીમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવો સંપૂર્ણપણે ખોટો અને અયોગ્ય છે. તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓને પોતાની ન્યાયી માંગણીઓ માટે શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવવાનો પૂરતો અધિકાર છે અને સરકારે બળપ્રયોગ કરવાને બદલે તેમની વાત સાંભળીને સમસ્યાનો સાચો ઉકેલ લાવવો જોઈએ.

