VIDEO: "ખરાબ લાગે છે પણ શું કરીએ, ફરજ છે..." વિપક્ષના પ્રદર્શનમાં ઇજાગ્રસ્ત બનેલી મહિલા કોન્સ્ટેબલનું દર્દ છલકાયું
રાજધાની દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષી ગઠબંધન (INDIA બ્લોક)ના પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ સાથે થયેલી કથિત ઝપાઝપી અને ઘર્ષણની ઘટના બાદ દિલ્હી પોલીસના જવાનોની દર્દનાક વ્યથા સામે આવી રહી છે. પ્રદર્શન દરમિયાન કથિત રીતે ઈજાગ્રસ્ત થયેલી એક મહિલા કોન્સ્ટેબલે પોતાની ફરજ અને વેદના વ્યક્ત કરતાં હૃદયસ્પર્શી નિવેદન આપ્યું છે.
મહિલા કોન્સ્ટેબલે જણાવ્યું હતું કે, "...અમારી પાસે ડોક્ટર પાસે જવાનો પણ એટલો સમય નથી હોતો. અમારે દરરોજ ડ્યુટી નિભાવવાની હોય છે, તેથી સમય ખૂબ ઓછો મળે છે... મનમાં ખરાબ ચોક્કસ લાગે છે, પણ અમે શું કરી શકીએ? આ અમારી ફરજ છે. અત્યારે પણ હું સારવાર કરાવ્યા વગર સીધી ડ્યુટી પર જ જઈ રહી છું."
ઉલ્લેખનીય છે કે, વિપક્ષના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂક અને મારપીટ થઈ હોવાના આક્ષેપો સાથે FIR પણ નોંધવામાં આવી છે. એક તરફ રાજકીય પક્ષો આંદોલનને ઉગ્ર બનાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તહેનાત પોલીસકર્મીઓ ઈજા અને શારીરિક પીડા વચ્ચે પણ પોતાની ફરજને સર્વોપરી ગણીને અડીખમ ઊભા છે. મહિલા કોન્સ્ટેબલના આ નિવેદને સોશિયલ મીડિયા અને જાહેર વર્તુળોમાં ખાખી પ્રત્યે સહાનુભૂતિ જગાવી છે.

