VIDEO: સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત: પવન ખેડા મુલાકાતે પહોંચ્યા
દિલ્હીના જંતર-મંતર ખાતે પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ સતત ૨૦મા દિવસે પણ ચાલુ રહી છે. લાંબા સમયથી ચાલી રહેલા ઉપવાસના કારણે સોનમ વાંગચુકની તબિયત ઘણી નાજુક બની ગઈ છે અને તેમનું વજન પણ ૯ કિલો જેટલું ઘટી ગયું છે, જેને પગલે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. સામે આવેલા તાજા દ્રશ્યોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા પવન ખેડા જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકને મળવા અને તેમનો ટેકો જાહેર કરવા પહોંચ્યા છે. મુલાકાત બાદ પવન ખેડાએ વાંગચુકના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્ર સરકારની મૌન નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા આગામી ૨૦ જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે પ્રદર્શનકારીઓએ જંતર-મંતરથી સંસદ તરફ કૂચ કરવાનું એલાન પણ કર્યું છે.

