ભૂખ હડતાળ દરમિયાન સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ, રાહુલ ગાંધીનો મોદી સરકાર પર આકરો પ્રહાર

સોનમ વાંગચુકને ધરણા પ્રદર્શન પરથી હટાવ્યા બાદ દિલ્હી પોલીસે તેમને સફદરજંગ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. આ કાર્યવાહીને લઈને સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. હવે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ (X) પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'મોદી સરકારનો મુખ્ય સિદ્ધાંત અસત્ય અને હિંસા છે. સોનમ વાંગચુકજી જ્યારે એક અહિંસક ભૂખ હડતાળ પર બેઠા હતા, ત્યારે તેમને જંતર-મંતર પરથી હટાવવા તે તદ્દન ખોટું છે. પેપર લીક, શિક્ષણનો વધતો ખર્ચ અને વિદ્યાર્થીઓના સુસાઈડ એ ભારતના ભવિષ્ય માટે ગંભીર મુદ્દાઓ છે. 'રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું કે, 'કોઈપણ તાકાત ભારતના વિદ્યાર્થીઓને અને અમારામાંથી જે લોકો તેમના પર વિશ્વાસ રાખે છે, અને તેમને પ્રેમ કરે છે, તેમને આ મુદ્દાઓ ઉઠાવતા રોકી શકશે નહીં.'
દિલ્હી પોલીસે સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કર્યા
18 જુલાઈની સવારે અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકના ઉપવાસના 21માં દિવસે તબિયત લથડતા દિલ્હી પોલીસે તેમને સફદરજંગ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ કાર્યવાહી મેડિકલ એક્સપર્ટ્સની સલાહ અને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશોના આધારે કરવામાં આવી છે. લાંબા સમય સુધી ભૂખ હડતાળ અને શરીરમાં પાણીની અછત (ડીહાઈડ્રેશન) થવાના કારણે તેમની હાલત ખૂબ જ નબળી પડી ગઈ હતી.
બીજી તરફ, સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં દાખલ થયા બાદ, હોસ્પિટલ પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. આ દરમિયાન દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળો (પેરામિલિટ્રી ફોર્સ) તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ઘણી જગ્યાએ બેરિકેડિંગ પણ લગાવવામાં આવ્યા છે.

