Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sonam Wangchuk has gone on hunger strike 5 times so far

VIDEO: પરિણામ ગમે તે આવે, ઝૂકશે નહીં: સોનમ વાંગચુક અત્યાર સુધીમાં ૫ વખત કરી ચૂક્યા છે ભૂખ હડતાળ

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Sonam Wangchuk’s History of Protests: લદ્દાખના જાણીતા શિક્ષણવિદ, એન્જિનિયર અને વિજ્ઞાન જગતમાં સક્રિય સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા 20 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા છે. શનિવારે વહેલી સવારે દિલ્હી પોલીસના જવાનો નવી દિલ્હીના જંતર-મંતર ખાતે પહોંચ્યા હતા અને સોનમ વાંગચુકને તબીબી તપાસ (મેડિકલ ચેકઅપ) માટે હોસ્પિટલ લઈ ગયા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનમ વાંગચુકે લોકશાહી ઢબે પોતાની માંગણીઓ રજૂ કરવા માટે અનશનને એક પ્રભાવશાળી હથિયાર બનાવ્યું છે. સત્તાધીશોનું ધ્યાન ખેંચવા માટે તેઓ અત્યાર સુધીમાં 4થી 5 વખત મહાત્મા ગાંધીના અહિંસક માર્ગે ભૂખ હડતાળ કરી ચૂક્યા છે. જો કે, આ અગાઉના તેમના આંદોલનોનો ઇતિહાસ અને તેના પરિણામો કેવા રહ્યા છે, તેના પર એક નજર કરીએ.

App Store

જાન્યુઆરી 2023: 5 દિવસની ભૂખ હડતાળ

જાન્યુઆરી 2023ની કડકડતી ઠંડીમાં સોનમ વાંગચુકે લદ્દાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ સાથે 5 દિવસના ઉપવાસ કર્યા હતા. આ આંદોલન પાછળની મુખ્ય ચિંતા લદ્દાખમાં પ્રસ્તાવિત માઇનિંગ (ખનન) અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સના કારણે પર્યાવરણ પર થનારી વિપરીત અસરો હતી. આ પ્રદર્શનમાં તેમણે લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA)ના સહયોગથી લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા તેમજ સ્થાનિક યુવાનો માટે એક અલગ પબ્લિક સર્વિસ કમિશનની રચના કરવા સહિતની 4 મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. આ આંદોલને સફળતાપૂર્વક દેશભરનું ધ્યાન ખેંચ્યું, જેના પગલે કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલય હેઠળ એક હાઇ-પાવર્ડ કમિટી બનાવીને વાતચીતનો દોર શરૂ કર્યો હતો, જો કે મુખ્ય મુદ્દાઓ પર કોઈ અંતિમ સહમતી સધાઈ શકી નહોતી.

માર્ચ 2024: 21 દિવસનો 'ક્લાઇમેટ ફાસ્ટ'

કેન્દ્ર સરકાર સાથેની વાટાઘાટો અનિર્ણાયક રહેતા 6 માર્ચ, 2024ના રોજ સોનમ વાંગચુકે લેહમાં 21 દિવસની લાંબી ભૂખ હડતાળ શરૂ કરી હતી, જેને તેમણે 'ક્લાઇમેટ ફાસ્ટ' નામ આપ્યું હતું. 26 માર્ચ, 2024ના રોજ આ ઉપવાસ પૂર્ણ કર્યા બાદ પણ તેમણે પોતાનો શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત લદ્દાખની વિવિધ માંગણીઓ પ્રત્યે દેશનું ધ્યાન આકર્ષિત કરવા માટે તેમણે દિલ્હી સુધીની પદયાત્રા કરવાનું આહવાન કર્યું હતું.

સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024: 'દિલ્હી ચલો' પદયાત્રા

સપ્ટેમ્બર 2024માં સોનમ વાંગચુક અને તેમના 100થી વધુ સમર્થકોએ લદ્દાખની વિવિધ માંગણીઓ સાથે લદ્દાખથી દિલ્હી સુધીની આશરે 1,000 કિલોમીટર લાંબી પદયાત્રા શરૂ કરી હતી. જો કે, 1 ઓક્ટોબરના રોજ જ્યારે આ પ્રદર્શનકારીઓ દિલ્હીની સરહદે પહોંચ્યા, ત્યારે દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો હવાલો આપીને સોનમ વાંગચુક સહિતના લોકોની અટકાયત કરી લીધી હતી. કસ્ટડીમાં લેવાયા બાદ પણ તેમનો આ શાંતિપૂર્ણ વિરોધ ચાલુ રહ્યો હતો, જેના કારણે કેન્દ્ર સરકાર સાથે ફરી એકવાર વાતચીતનો દોર શરૂ થયો હતો, પરંતુ લદ્દાખના મુખ્ય મુદ્દાઓ ઉકેલાયા વગરના જ રહ્યા હતા.

સપ્ટેમ્બર 2025: NSA હેઠળ અટકાયત અને માર્ચ 2026માં મુક્તિ

કેન્દ્ર સરકાર સાથેની વાતચીતમાં કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા 10 સપ્ટેમ્બર, 2025ના રોજ લેહ એપેક્સ બોડી દ્વારા 35 દિવસની ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી હતી, જેમાં સોનમ વાંગચુક પણ અન્ય પ્રદર્શનકારીઓ સાથે જોડાયા હતા. આ આંદોલન દરમિયાન લદ્દાખમાં બંધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તણાવ સતત વધતા સોનમ વાંગચુકની નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ, માર્ચ 2026માં NSAનો આદેશ રદ થતાં જ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા અને સરકાર તથા લદ્દાખના પ્રતિનિધિઓ વચ્ચે ફરી એકવાર વાતચીત શરૂ થઈ હતી.

જૂન 2026: NEET અનિયમિતતા સામે જંતર-મંતર પર અનશન

લદ્દાખની અગાઉની માંગણીઓ રજૂ કર્યા બાદ, સોનમ વાંગચુકે 28 જૂન, 2026થી નવી દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ શરૂ કરી છે. આ વખતે તેઓ NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહેલા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહેલા દેશના યુવાનો અને વિદ્યાર્થીઓના આંદોલનને પોતાનું સમર્થન આપી રહ્યા છે.

સોનમ વાંગચુકના આંદોલનોનો ઇતિહાસ સ્પષ્ટ દર્શાવે છે કે, ભલે તેમને દરેક વખતે તાત્કાલિક કોઈ મોટી નીતિગત સફળતા ન મળી હોય, પરંતુ તેમણે ઉઠાવેલા પ્રાદેશિક અને સામાજિક મુદ્દાઓ હંમેશા રાષ્ટ્રવ્યાપી ચર્ચાનો મુખ્ય વિષય બન્યા છે.