VIDEO: મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે, સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ હારી ગઈ છે, ટીએમસીના વડા મમતા બેનરજી પણ ભવાનીપુર બેઠક પરથી હારી ગયા છે, તેમ છતાં હજુ પણ રાજ્યમાં ભારે રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. વાસ્તવમાં મમતા બેનર્જીએ હાર છતાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. તેમના આ નિવેદન પર ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે.
વધારે બોલવાની જરૂર નથી : શુભેન્દુ અધિકારી
શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીને કારમો પરાજય આપ્યો છે. હવે મમતાના રાજીનામું ન આપવાના નિવેદન પર પત્રકારો સાથે વાત કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘બંધારણમાં બધું જ લખેલું છે, વધારે બોલવાની જરૂર નથી.’
'મારા રાજીનામાનો પ્રશ્ન જ ઊભો થતો નથી...'
મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, ‘મારા રાજીનામાનો પ્રશ્ન જ ઊભો થતો નથી, કારણ કે અમે જનતાના જનાદેશથી નહીં પરંતુ એક ષડયંત્રથી હાર્યા છીએ. હું હારી નથી. હું લોકભવન નહીં જાઉં. તેઓ બંધારણીય નિયમો મુજબ પગલાં લઈ શકે છે. હવે હું ભાજપના અત્યાચારોને વધુ સહન નહીં કરું. હું રસ્તા પર ઉતરીશ. અમારી સ્પર્ધા ભાજપ સાથે નહીં પણ ચૂંટણી પંચ સાથે હતી. ચૂંટણી પંચે ભાજપ માટે કામ કર્યું છે.’

