TMCમાં બળવા વચ્ચે મમતા બેનર્જીને મોટી રાહત, શત્રુઘ્ન સિન્હાએ કહ્યું– ‘મુશ્કેલ સમયમાં દીદીનો સાથ નહીં છોડું’

તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલા આંતરિક રાજકીય સંકટ અને બળવાખોરીની અટકળો વચ્ચે આસનસોલના વરિષ્ઠ સાંસદ અને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ એક મોટું નિવેદન આપીને તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ગુરુવારે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પક્ષપ્રમુખ મમતા બેનર્જીનો સાથ ક્યારેય નહીં છોડે.
છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા હતી કે શત્રુઘ્ન સિન્હા પણ TMCના બળવાખોર જૂથમાં સામેલ થઈ શકે છે. આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, "ગમે તેટલી અફવાઓ ફેલાય, પણ હું મમતા બેનર્જી સાથે મજબૂતાઈથી ઊભો છું. જ્યારે હું મુશ્કેલીમાં હતો ત્યારે મમતાજીએ મારો સાથ આપ્યો હતો, આજે જ્યારે પક્ષ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે હું તેમને એકલા મૂકી ના શકું." તેમણે પોતાના બેબાક અંદાજમાં કહ્યું કે, "જો સાચું બોલવું એ બળવો હોય, તો હા, હું પણ બાગી છું; પરંતુ હું મમતાજી પ્રત્યે વફાદાર છું."
બંગાળ અને આસનસોલની જનતાનો આભાર માન્યો
શત્રુઘ્ન સિન્હાએ પશ્ચિમ બંગાળ અને આસનસોલના મતદારોનો આભાર માનતા કહ્યું કે, તેઓ મમતા બેનર્જીના આમંત્રણ પર જ આસનસોલ ચૂંટણી લડવા આવ્યા હતા. ત્યાંની જનતાએ તેમને રેકોર્ડબ્રેક મતોથી વિજયી બનાવ્યા છે. તેઓ પક્ષ કે જાતિના ભેદભાવ વિના તમામ લોકો માટે કામ કરતા રહેશે.
પીએમ મોદીને પાઠવી શુભેચ્છા
આ દરમિયાન શત્રુઘ્ન સિન્હાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના શાસનકાળના ૧૨ વર્ષ પૂર્ણ કરવા બદલ સોશિયલ મીડિયા પર ખાસ શુભેચ્છા પાઠવી હતી. તેમણે પીએમ મોદીને દેશના માર્ગદર્શક ગણાવીને તેમના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવનની કામના કરી હતી.
શત્રુઘ્ન સિન્હાના આ વલણથી મમતા બેનર્જીને મોટી રાજકીય રાહત મળી છે, પરંતુ બીજી તરફ, ટીએમસીના જ નેતા કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીને ખુલ્લી ધમકી આપતાં કહ્યું છે કે, "જો અભિષેક બેનર્જી પક્ષમાં રહેશે તો હું નહીં રહું." આમ, એક તરફ શત્રુઘ્ન સિન્હા જેવા વરિષ્ઠ નેતાઓ મમતાની વહારે આવ્યા છે, તો બીજી તરફ અભિષેક બેનર્જી સામેનો આંતરિક વિરોધ હજુ પણ શમવાનું નામ લઈ રહ્યો નથી.

