સલમાન પછી શાહરૂખ ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે તપાસ હાથ ધરી

સલમાનખાન પછી હવે બોલિવુડના કિંગ શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસે કોલ ટ્રેસ કર્યો તો તે રાયપુરનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસની ટીમ રાયપુર તપાસ અર્થે પહોંચી છે.
આ પણ વાંચો: VIDEO: કાળિયાર કેસ સાથે જોડાયેલો સલમાનનો જૂનો વીડિયો થયો વાયરલ
શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ફોન આવ્યો
શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ ધમકીભર્યો ફોન રાયપુરથી ફૈઝાન ખાન નામના શખ્સે કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, હજુ સુધી આ અહેવાલને લઈને કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આ સિવાય અભિનેતા અને પોલીસ તરફથી પણ કોઈ સ્પષ્ટિકરણ આપવામાં આવ્યું નથી.
શાહરૂખ ખાન પોતાનો જીવ બચાવવા માંગતો હોય તો કરોડો રૂપિયા આપવા પડશે
ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે જો શાહરૂખ ખાન પોતાનો જીવ બચાવવા માંગતો હોય તો તેણે કરોડો રૂપિયા આપવા પડશે, નહીંતર ગંભીર પરિણામ ભોગવવું પડશે. ત્યારબાદ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.
ધમકીભર્યા કોલ બાદ ઈન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ
આરોપી પર ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(4) અને 351(3)(4) લગાવવામાં આવી છે. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આરોપીને જલ્દી જ પકડી લેવામાં આવશે. આ ધમકીભર્યા કોલ બાદ ઈન્ડસ્ટ્રીમાં ભયનો માહોલ છે. આ પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. સલમાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે સતત ધમકીઓ મળી રહી છે. ગયા મહિને સલમાનના મિત્ર અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી.

