મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સાસરીમાં થતું યૌન શોષણ પણ 'દહેજ ઉત્પીડન'નો ભાગ, હવે બળાત્કાર અને ક્રૂરતાની સુનાવણી એકસાથે થશે: હાઇકોર્ટ

ભારતીય ન્યાયતંત્રમાં મહિલાઓના અધિકારો અને સુરક્ષાને લઈને સમયાંતરે મહત્ત્વપૂર્ણ નિર્ણય

સાસરીમાં થતું યૌન શોષણ પણ 'દહેજ ઉત્પીડન'નો ભાગ, હવે બળાત્કાર અને ક્રૂરતાની સુનાવણી એકસાથે થશે: હાઇકોર્ટ

ભારતીય ન્યાયતંત્રમાં મહિલાઓના અધિકારો અને સુરક્ષાને લઈને સમયાંતરે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવતા હોય છે. તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટે એક એવો જ ક્રાંતિકારી ચુકાદો આપ્યો છે, જે દહેજ પ્રથા અને સાસરીમાં થતી હિંસા સામે લડી રહેલી લાખો મહિલાઓ માટે આશાનું કિરણ બન્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો સાસરીમાં કોઈ મહિલાનું યૌન ઉત્પીડન કરવામાં આવે છે, તો તેને દહેજ પ્રતાડના (ક્રૂરતા) હેઠળ ગણવામાં આવશે.

શું છે હાઈકોર્ટનો મહત્ત્વનો ફેંસલો?

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ અમિત મહાજનની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, સાસરીમાં મહિલા પર થતું યૌન શોષણ એ દહેજ ઉત્પીડન હેઠળ આવતી 'શારીરિક ક્રૂરતા'નું જ એક ગંભીર સ્વરૂપ છે. અદાલતે વ્યવસ્થા આપી છે કે આવા કિસ્સાઓમાં બળાત્કાર (Rape) અને દહેજ ઉત્પીડન (Cruelty) ના ગુનાઓની અલગ-અલગ સુનાવણી કરવાની જરૂર નથી, પરંતુ તે બંનેને એક જ ઘટનાક્રમનો ભાગ માનીને એકસાથે ટ્રાયલ ચલાવી શકાય છે.

કેસની પૃષ્ઠભૂમિ અને કાયદાકીય વળાંક

આ મામલો એક પીડિત મહિલાની અરજી પરથી સામે આવ્યો હતો. મહિલાનો આરોપ હતો કે હરિયાણા સ્થિત તેની સાસરીમાં તેના સસરા અને દિયર દ્વારા તેનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. અગાઉ સેશન્સ કોર્ટે ક્ષેત્રાધિકાર (Jurisdiction) નો હવાલો આપીને સસરા અને દિયરને બળાત્કારના આરોપોમાંથી મુક્ત કર્યા હતા. સેશન્સ કોર્ટનું કહેવું હતું કે બળાત્કારની ઘટના જે વિસ્તારમાં બની તે તેમના અધિકારક્ષેત્રમાં આવતી નથી.

જોકે, હાઈકોર્ટે સેશન્સ કોર્ટના આ આદેશને રદબાતલ ઠેરવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે જો દહેજ માટેની કનડગત અને યૌન શોષણની ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી હોય, તો તેને અલગ કરી શકાય નહીં.

ચુકાદાના મુખ્ય મુદ્દાઓ:

કોર્ટે અવલોકન કર્યું કે દહેજની માંગણી સંતોષવા માટે જ્યારે મહિલા પર દબાણ કરવામાં આવે છે, ત્યારે થતું યૌન શોષણ એ શારીરિક ક્રૂરતાની પરાકાષ્ઠા છે.

અદાલતે જણાવ્યું કે બળાત્કાર અને ક્રૂરતાના આરોપો CRPC ની કલમ 220 ની શરતો પૂરી કરે છે. જ્યારે અનેક ગુનાઓ એક જ વ્યવહારનો ભાગ હોય, ત્યારે તમામ ગુનાઓ માટે એક જ ટ્રાયલ ચલાવી શકાય છે.

આ નિર્ણયથી પીડિતાએ અલગ-અલગ કોર્ટ કે અલગ-અલગ શહેરોમાં જુદા-જુદા કેસ લડવાની હાડમારી ભોગવવી પડશે નહીં. તમામ આરોપીઓ વિરુદ્ધ એક જ કોર્ટમાં સુનાવણી હાથ ધરી શકાશે.

સમાજ અને કાયદા પર તેની અસર

ભારતમાં દહેજ વિરોધી કાયદો (IPC 498A) ખૂબ જ મજબૂત છે, પરંતુ ઘણીવાર ટેકનિકલ કારણોસર કે ક્ષેત્રાધિકારના વિવાદોને કારણે આરોપીઓ બચી જતા હોય છે. દિલ્હી હાઈકોર્ટનો આ આદેશ એવા આરોપીઓ માટે લપડાક સમાન છે જેઓ ગુનાના સ્થળ કે કાયદાકીય છટકબારીનો ઉપયોગ કરીને બચવા માંગતા હોય છે.

આ સમાચાર શેર કરો