મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ગ્રેજ્યુએટ MLC મતદાર નોંધણી પ્રક્રિયામાં ગંભીર ક્ષતિઓ: BRS પ્રતિનિધિમંડળે મુખ્ય ચૂંટણી અધિકારીને કરી રજૂઆત

સોર્સ: gstv

તેલંગાણામાં આગામી ગ્રેજ્યુએટ MLC ચૂંટણી માટે ચાલી રહેલી મતદાર નોંધણી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ અને ગોકળગાય ગતિનો આરોપ લગાવીને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. BRSના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી તલસાણી શ્રીનિવાસ યાદવના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) સાથે મુલાકાત કરી આ મામલે લેખિત રજૂઆત કરી હતી.

પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં BRS નેતા દાસોજુ શ્રવણે ચૂંટણી પંચની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતાં જણાવ્યું હતું કે, સમગ્ર મતદાર નોંધણી પ્રક્રિયા અત્યંત ધીમી અને ગોકળગાય ગતિએ ચાલી રહી છે, જેના કારણે હજારો લાયક સ્નાતક મતદારો પોતાના મતાધિકારથી વંચિત રહેવાનો ભય ઊભો થયો છે. વર્તમાન નિર્ધારિત છેલ્લી તારીખ ૬ નવેમ્બર અત્યંત ટૂંકી છે. પક્ષે ચૂંટણી પંચ સમક્ષ માંગણી કરી છે કે આ મુદતમાં ઓછામાં ઓછા ૩૦ દિવસનો વધારો કરીને છેલ્લી તારીખ ૧૫ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે.

ચૂંટણી પંચ પર બેદરકારીનો આરોપ

લોકશાહી અને બંધારણના રક્ષણ માટે ચૂંટણી યોજાય છે, પરંતુ ચૂંટણી પંચ પોતાની મૂળભૂત ફરજો નિભાવવામાં નિષ્ક્રિય અને બેદરકાર જણાઈ રહ્યું છે. BRS એ ચૂંટણી પંચને તેની જવાબદારીઓનું ભાન કરાવવા માટે આ પગલું ભર્યું છે. દાસોજુ શ્રવણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચૂંટણી પંચ તેમની રજૂઆતની ગંભીરતા સમજીને તાત્કાલિક મુદત લંબાવશે, બૂથ લેવલ ઓફિસર (BLO) માળખાને જમીની સ્તરે સક્રિય કરશે અને તમામ લાયક સ્નાતક મતદારોનું નામ યાદીમાં નોંધાય તે માટે વ્યાપક જાગૃતિ ઝુંબેશ શરૂ કરશે.

આ સમાચાર શેર કરો