VIDEO: "પૈસા લઈને રેપિસ્ટોને બચાવે છે મુખ્યમંત્રીના પત્ની!" હરસિમરત કૌર બાદલનો ભગવંત માન સરકાર પર મોટો આરોપ
શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે પંજાબ સરકાર અને મુખ્યમંત્રી ભગવંત માન પર આકરા પ્રહારો કરતાં સનસનીખેજ આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત નથી અને ગંભીર અપરાધ આચરનારાઓને રાજ્ય સરકાર તરફથી રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
હરસિમરત કૌરે પંજાબમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે બોલતાં જણાવ્યું, "પંજાબમાં મહિલાઓના સન્માન અંગે મોટી-મોટી વાતો હંમેશાં કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત છે. પંજાબમાં મહિલાઓનું સન્માન થવાને બદલે તેમના પર બળાત્કાર થઈ રહ્યા છે, અને સૌથી શરમજનક બાબત એ છે કે મુખ્યમંત્રીના પત્ની આવા ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."
તેમણે મુખ્યમંત્રી અને તેમના પરિવાર સામે સીધા આક્ષેપ કરતાં આગળ કહ્યું, "આનાથી વધુ ગંભીર બાબત બીજી કઈ હોઈ શકે કે પંજાબની દીકરીઓ જે શોષણ અને દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધોનો ભોગ બને છે, તેવા કેસોમાં જે નરાધમોને ફાંસીના માંચડે લટકાવવા જોઈએ તેમને રાજ્ય સરકાર ' ખાસ કરીને મુખ્યમંત્રી અને તેમના પત્ની ડૉ. ગુરપ્રીત કૌર' પૈસાના બદલામાં રક્ષણ આપી રહ્યા છે? મારા મતે પંજાબના દરેક માતા-પિતા અને સમગ્ર દેશ માટે આ અત્યંત ચિંતાનો વિષય છે કે રાજ્યની સ્થિતિ કેટલી હદે કથળી ચૂકી છે."
રાજ્યની કાયદો-વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર પર પ્રહાર કરતાં અકાલી દળના સાંસદે ઉમેર્યું, "પંજાબમાં ભ્રષ્ટાચાર તો પહેલેથી જ બેફામ હતો, પરંતુ હવે જ્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી અને તેમનો પરિવાર પૈસા લઈને બળાત્કારીઓને છાવરવામાં અને તેમને બચાવવામાં સંડોવાયેલો હોય, ત્યારે પંજાબની જનતા, તેની દીકરીઓ અને પીડિત પરિવારો ન્યાય મેળવવા માટે ક્યાં જાય?"

