VIDEO: એસ. જયશંકરે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને કર્યો ફોન, જાણો શું થઈ વાત!
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે વાત કરી અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ચર્ચા કરી. 28 ફેબ્રુઆરી પછી તેમની આ ત્રીજી વાતચીત હતી, જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો, જેના પછી સમગ્ર વિસ્તારના ઘણા દેશો પર જવાબી હુમલા કરવામાં આવ્યા હતા.
જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, "આજે સાંજે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી સાથે ચાલી રહેલા સંઘર્ષ અંગેના લેટેસ્ટ ડેવલપમેન્ટ પર વિગતવાર વાતચીત થઈ. અમે સંપર્કમાં રહેવા માટે સહમત થયા છીએ."
બંને મંત્રીઓ વચ્ચે આ પહેલા બે વાર વાત થઈ ચૂકી છે. અગાઉ 28 ફેબ્રુઆરી અને પછી 5 માર્ચે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી.
સંસદમાં શું બોલ્યા હતા જયશંકર?
એસ. જયશંકરે સોમવારે સંસદમાં કહ્યું હતું કે પ્રયત્નો તો થયા છે, પરંતુ આ સમયે નેતૃત્વના સ્તરે ઈરાન સાથે સંપર્ક કરવો સ્પષ્ટપણે મુશ્કેલ છે.
જયશંકરે કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી લડાઈ દરમિયાન ઈરાનમાં નેતૃત્વ સ્તરે પણ ઘણા લોકો માર્યા ગયા છે. તેમણે સરકારના ત્રણ મોટા સંદેશા પણ જણાવ્યા:
દિલ્હી શાંતિ અને વાતચીત પર પાછા ફરવાની તરફેણમાં છે.
ભારતીય સમુદાય (Indian Diaspora)ની સુરક્ષા પ્રાથમિકતા છે.
એનર્જી સિક્યુરિટી (ઉર્જા સુરક્ષા) સૌથી ઉપર રહેશે.
રાજ્યસભામાં 'પશ્ચિમ એશિયાની સ્થિતિ' પર પોતાની તરફથી નિવેદન આપતા જયશંકરે કહ્યું કે લડાઈ શરૂ થયા પછી લગભગ 67,000 ભારતીય નાગરિકો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પરત આવ્યા છે.
તેમણે એ પણ જણાવ્યું કે ઈરાન પક્ષે 28 ફેબ્રુઆરીએ આ વિસ્તારમાં 'ત્રણ જહાજો'ને ભારતીય બંદરો પર લાંગરવા (ડૉક કરવા) માટે પરવાનગી માંગી હતી, જે 1 માર્ચે આપી દેવામાં આવી હતી.

