VIDEO: અયોધ્યા રામ મંદિરમાં દર્શન-આરતી માટે નિયમો બદલાયા! જાણી લો ક્યાં અને કેવી રીતે મળશે પાસ!
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેતા ભક્તો માટે આરતી, દર્શન પાસ સેવા શરૂ કરી છે. જેમાં દર્શન અનુભવને વધુ અનુકૂળ બનાવવા માટે શરૂ કરાયેલી આ સિસ્ટમ હેઠળ ભક્તો દરરોજ સવારે 9 વાગ્યે બિરલા ધર્મશાળાની સામે સ્થિત યાત્રાળુ સુવિધા કેન્દ્રમાં તેમના આધાર કાર્ડ રજૂ કરીને પાસ મેળવી શકશે. મંગળા અને શ્રૃંગાર આરતી માટેના પાસ એક દિવસ અગાઉ અને શયન આરતી માટેના પાસ તે જ દિવસે અપાશે. ટ્રસ્ટ દ્વારા પૂર્વ મહાસચિવ ચંપત રાય સહિત અનેક વ્યક્તિઓના જૂના આઈડી બંધ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આરતીના પ્રકારો અને બુકિંગ સમયરેખા
ભગવાન રામ અને રામ પરિવાર માટે કરવામાં આવતી ત્રણ આરતીઓ માટે અલગ પાસ જારી કરવામાં આવશે. મંગળા આરતી (સવારે 4:00 વાગ્યે) અને શ્રૃંગાર આરતી (સવારે 6:00 વાગ્યે) માટે બુકિંગ એક દિવસ અગાઉથી ખુલશે. જ્યારે શયન આરતી (રાત્રે 9:00 વાગ્યે) માટે પાસ તે જ દિવસે જારી કરવામાં આવશે.
આરતીઓ માટે પાસની નિશ્ચિત સંખ્યા
ટ્રસ્ટે શ્રીરામ આરતી માટે દરરોજ 45 પાસ અને રામ પરિવાર આરતી માટે 15 પાસ ફાળવ્યા છે. તેમજ ઓનલાઈન આરતી જોવા માટે 100 પાસ ઉપલબ્ધ છે અને રેફરલ શ્રેણી હેઠળ કુલ 75 પાસ આપવામાં આવે છે.
ખાસ મહેમાનો અને રેફરલ પાસ માટેની વ્યવસ્થા
જિલ્લા વહીવટીતંત્ર અથવા સૈનિક સદન માટે પાસનો કોઈ અલગ ક્વોટા ફાળવવામાં આવ્યો નથી. જેમાં ખાસ મહેમાનો માટેની વિનંતીઓ સીધી ટ્રસ્ટને કરવી આવશ્યક છે. હાલમાં નવા ID સામે કાઉન્ટર પર પાસ જારી કરવામાં આવી રહ્યા નથી. તેના બદલે ટ્રસ્ટીઓની ભલામણ પર જ રેફરલ પાસ જારી કરવામાં આવી રહ્યા છે.
દૈનિક પાસની સમીક્ષા અને નવીકરણ
નિયમિત શ્રદ્ધાળુઓ માટે નવા દૈનિક પાસ આપવાનું હાલમાં સ્થગિત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જારી કરાયેલા 2,743 પાસની વ્યાપક સમીક્ષા ચાલી રહી છે. છ મહિનાની માન્યતા ધરાવતા જૂના પાસને નવીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

