VIDEO: અયોધ્યા રામમંદિર નિર્માણમાં પણ ભ્રષ્ટાચાર ? 800 કરોડનો અંદાજ સામે 2200 કરોડનો ખર્ચ? પૂર્વ કર્મીનો દાવો
Ram Mandir donation scam: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને દાન ચોરીના કથિત કેસમાં એક નવો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રામ મંદિર ટ્રસ્ટના પૂર્વ એકાઉન્ટ્સ હેડ અને વ્હિસલ બ્લોઅર મહિપાલસિંહે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને એક ઈમેલ મોકલીને ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે મંદિર નિર્માણ માટે શરૂઆતમાં આશરે 800 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો, તો પછી આ ખર્ચ વધીને 2200 કરોડ રૂપિયા કેમ થઈ ગયો? ખરેખર ઓછો ખર્ચ થયો હોવા છતાં વધુ ખર્ચ બતાવીને મોટી રકમ પચાવી પાડવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો છે.
ચંપત રાય અને સાથીઓ પર વધુ પડતો ખર્ચ દેખાડી રકમ હડપવાનો આરોપ
કરોડો રૂપિયાની કથિત દાન ચોરીની તપાસ કરી રહેલી એસઆઈટીને મહિપાલસિંહ દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં અનેક ચોંકાવનારી વિગતો રજૂ કરાઈ છે. તેમણે રાજીનામું આપનારા ટ્રસ્ટના પૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાય, ટીનૂ યાદવ અને બેન્ક કર્મચારીઓ સહિત અન્ય લોકોના નામનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો છે કે આ લોકોએ વધુ પડતો ખર્ચ દેખાડીને મોટી રકમ પચાવી પાડી છે. ચંપત રાયે રામ શંકર યાદવ (ટીનૂ યાદવ)ને વધુ પડતી જવાબદારીઓ આપી હતી અને તેઓ મંદિરમાં એક રીતે સ્વયંભૂ પ્રભારી તરીકે કામ કરી રહ્યા હતા.
વ્હિસલ બ્લોઅરે SITને સોંપ્યા પુરાવા, ચલાવાઈ વિસ્તૃત તપાસની માગ
લખનઉના કમિશનર અને પ્રથમ એસઆઈટી અધ્યક્ષ વિજય વિશ્વાસ પંતે 26 જુલાઈના રોજ મહિપાલસિંહને ઈમેલ કરીને તેમના દાવાઓના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. તેના જવાબમાં મહિપાલસિંહે તમામ વિગતો અને દસ્તાવેજો એસઆઈટીને સોંપી દીધા છે. ઈમેલમાં તેમણે માગ કરી છે કે દાન ચોરી અને કૌભાંડમાં સામેલ તમામ લોકો સામે વિસ્તૃત તપાસ થાય અને તેમના દાવાઓને પણ આ તપાસનો ભાગ બનાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સાંસદ સંજયસિંહે પણ જમીન ખરીદીમાં કૌભાંડના આરોપો સાથે કેટલાક દસ્તાવેજો એસઆઈટીને સોંપ્યા હતા, જેમાં ચંપત રાય સામે આરોપો લાગ્યા હતા.
પ્લાન અને ડિઝાઈન નક્કી હોવા છતાં ખર્ચમાં કેમ થયો અસહ્ય વધારો?
મહિપાલસિંહના જણાવ્યા અનુસાર, રામ મંદિરની ડિઝાઈન અને પ્લાનિંગ બધું પહેલેથી જ નક્કી હતું. તે જ પ્લાનના આધારે નિર્માણ ખર્ચનું અનુમાન 800 કરોડ રૂપિયા લગાવવામાં આવ્યું હતું. પરંતુ વાસ્તવિકતામાં ખર્ચ ઓછો થવા છતાં કાગળ પર વધુ દેખાડવામાં આવ્યો હતો. આ સંજોગોમાં અંદાજિત 800 કરોડનો આંકડો વધીને 2200 કરોડ રૂપિયા કેવી રીતે પહોંચી ગયો તે અંગે સવાલો ઊભા કરી સમગ્ર મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માગણી કરવામાં આવી છે.

