VIDEO: રામ મંદિર દાનમાં ગેરરીતિનો મુદ્દો: અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. અયોધ્યા રામ મંદિરના દાનમાં થયેલી કથિત ગેરરીતિઓના મુદ્દાને લઈને કેજરીવાલે અમિત શાહ સમક્ષ એક પછી એક પાંચ તીખા સવાલો ડાંગ્યા છે અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
અરવિંદ કેજરીવાલે ગૃહમંત્રીને પૂછ્યા આ 5 સવાલો
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું, "હું અમિત શાહજીને પાંચ સવાલો પૂછવા માંગું છું."
પહેલો સવાલ: તમે હજુ સુધી રામ મંદિરની મુલાકાત કેમ નથી લીધી?
બીજો સવાલ: શું તમને ભગવાન રામના દર્શન કરવાનું મન નથી થતું?
ત્રીજો સવાલ: શું તમને રામ મંદિર જવાની ઈચ્છા નથી થતી?
ચોથો સવાલ: શું તમને ભગવાન રામના આશીર્વાદની જરૂર નથી?
પાંચમો અને સૌથી મહત્વનો સવાલ: શું તમે ભગવાન રામને ભગવાન માનો છો ખરા?
"ભગવાન રામને માનતા હોત તો દાનની ચોરી ન કરત"
પાંચમો સવાલ પૂછ્યા બાદ કેજરીવાલે ભાજપ નેતૃત્વ પર આકરા પ્રહારો કરતા ઉમેર્યું હતું કે, "આ લોકો ભગવાન રામને ભગવાન માનતા જ નથી. જો તેઓ ભગવાન રામને ઈશ્વર માનતા હોત, તો મંદિરમાં ચઢાવવામાં આવેલા દાનના નાણાંની ચોરી ક્યારેય ન કરત."
અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નાણાંમાં કથિત ચોરી અને ગેરરીતિઓને લઈને વિપક્ષ સતત આક્રમક મૂડમાં છે, ત્યારે કેજરીવાલના આ નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ તરફથી આ સવાલોનો શું વળતો જવાબ આપવામાં આવે છે.
કેજરીવાલની સોશિયલ મીડિયા પોસ્ટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, 'થોડા દિવસો પહેલા મને શ્રી રામ મંદિર સાથે જોડાયેલી કેટલીક માહિતી મળી હતી. શરૂઆતમાં મને તેના પર વિશ્વાસ નહોતો થયો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં મેં તે માહિતીની પુષ્ટિ કરી છે અને તે સંપૂર્ણપણે સાચી છે. આજે હું બપોરે 1:00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી તમારી સાથે શેર કરીશ.'
મોટા નામો વિરુદ્ધ પણ કાર્યવાહીની માગ
આ પહેલા શનિવારે કેજરીવાલે અયોધ્યા રામ મંદિર માટે મળેલા દાનમાં થયેલી કથિત હેરાફેરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આ કૌભાંડમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ મામલે માત્ર નીચલા સ્તરના પદાધિકારીઓ કે કર્મચારીઓ સામે જ નહીં, પરંતુ આની પાછળ રહેલા મોટા નામો સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ. તેમણે તર્ક આપ્યો હતો કે, માત્ર જુનિયર પદાધિકારીઓને નિશાન બનાવવાથી જનતાની ચિંતા દૂર નહીં થાય. આ કથિત હેરાફેરીમાં ટોચના સ્તરે બેઠેલા લોકોની જવાબદારી નક્કી કરીને તેમની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.
રાજીનામાથી કોઈ ફાયદો નહીં થાય
એક સમાચાર એજન્સી સાથે વાત કરતા કેજરીવાલે કહ્યું કે, અમે આ મામલે સંડોવાયેલા મોટા નામો સામે કડક કાર્યવાહી ઈચ્છીએ છીએ. માત્ર નાના લોકોની ધરપકડ કરવાથી કંઈ જ હાંસલ નહીં થાય. આમાં જે પણ મોટા માથાઓ સામેલ છે, તેમની સામે કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા અંગે ચાલી રહેલા સમાચારો પર પ્રતિક્રિયા આપતા કેજરીવાલે કહ્યું કે, માત્ર રાજીનામા આપી દેવાથી કોઈ ફાયદો નહીં થાય. આ અંગે હાલ માત્ર અફવાઓ છે, હકીકત શું છે તે હજુ સુધી કોઈને ખબર નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે માત્ર રાજીનામું અપાવી દેવાથી ફાયદો નથી થવાનો. આ કથિત ચોરીમાં સામેલ તમામ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ."
યોગી આદિત્યનાથ વિરુદ્ધ પણ ષડયંત્ર રચી રહ્યા
અરવિંદ કેજરીવાલે આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ એક મોટું રાજકીય કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, હું તેમને કહેવા માગુ છું કે આ 'ચંદા ચોર' યોગી આદિત્યનાથ વિરૂદ્ધ પણ ષડયંત્ર રચી રહ્યા છે. તેઓ યોગીજીને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાની પૂરેપૂરી તૈયારી કરી રહ્યા છે. હું યોગી આદિત્યનાથને કહેવા માંગુ છું કે તેઓ આ મહાપાપનો ભાગ ન બને. જે લોકોએ ભગવાન રામના ધામને લૂંટવાનું કૃત્ય કર્યું છે, તેમને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં ન આવે અને તેમને ફાંસીની સજા આપવામાં આવે.
અયોધ્યાની એક સ્થાનિક અદાલતે સોમવારે કથિત ચંદા કૌભાંડ મામલે મોટો નિર્ણય સંભળાવતા તમામ આરોપીઓને 14 દિવસની ન્યાયિક હિરાસત (જુડિશિયલ કસ્ટડી)માં મોકલી આપ્યા છે. કોર્ટનો આ નિર્ણય શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નાણાકીય અનિયમિતતાઓ અને દાન અને પ્રસાદના દુરુપયોગના અહેવાલોમાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલી સંપૂર્ણ તપાસ બાદ આવ્યો છે.

