દેશમાં વરસાદી સિસ્ટમ સક્રિય, 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, બંગાળ-ઓડિશામાં મેઘરાજા બની શકે છે આફત

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને મોન્સૂન સિસ્ટમ સક્રિય થવાને કારણે 13થી 18 ઓગસ્ટ દરમિયાન દેશના મોટાભાગના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌથી વધુ સંકટ પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર છે જ્યાં અત્યંત ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આ ઉપરાંત દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દક્ષિણ ભારતના રાજ્યો અને પૂર્વોત્તર ભારતમાં પણ આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદનો નવો તબક્કો શરૂ થશે.
દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાં
રાજધાની દિલ્હીમાં 13 ઓગસ્ટે આકાશ વાદળછાયું રહેશે. દક્ષિણ હરિયાણા પર સર્જાયેલી ચક્રવાતી સિસ્ટમના કારણે દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે હળવો વરસાદ પડી શકે છે, જેનાથી વાતાવરણ આહલાદક બનશે.
ઉત્તર પ્રદેશમાં 14થી 17 ઓગસ્ટ સુધી ભારે વરસાદ
ઉત્તર પ્રદેશમાં 13 ઓગસ્ટે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ રહેશે. પૂર્વ યુપીમાં 14થી 18 ઓગસ્ટ અને પશ્ચિમ યુપીમાં 14થી 17 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.
ઉત્તરાખંડમાં પહાડો પર ભૂસ્ખલનનો ભય
પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં 13, 15 અને 18 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 14, 16 અને 17 ઓગસ્ટે અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને નદીઓના જળસ્તર વધવાની ભીતિ છે.
બિહારમાં 14 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે
બિહારમાં 13 ઓગસ્ટે સામાન્ય વરસાદ બાદ 14થી 18 ઓગસ્ટ વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થશે. હવામાન વિભાગે લોકોને વીજળી પડવાના જોખમથી બચવા ખુલ્લામાં ન જવાની સલાહ આપી છે.
ઝારખંડમાં 14 ઓગસ્ટે અતિભારે વરસાદની ચેતવણી
ઝારખંડમાં 13, 15 અને 16 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જ્યારે 14 ઓગસ્ટે રાજ્યમાં ખૂબ જ ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. લોકોને ઝાડ અને પાવરના થાંભલાઓથી દૂર રહેવા જણાવાયું છે.
પશ્ચિમ બંગાળમાં અતિવૃષ્ટિનો ખતરો
બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે પશ્ચિમ બંગાળમાં 13 ઓગસ્ટે અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દરિયામાં કરંટ હોવાથી માછીમારોને 15 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે.
ઓડિશામાં 13થી 16 ઓગસ્ટ સુધી મૂશળધાર વરસાદ
ઓડિશામાં પણ બંગાળની ખાડીના લો પ્રેશરના લીધે 13થી 16 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવનો ફૂંકાવાની શક્યતા છે.
મધ્ય પ્રદેશમાં લો પ્રેશરથી જળબંબાકારની સ્થિતિ
ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર સક્રિય હોવાથી પશ્ચિમ એમપીમાં 13 ઓગસ્ટે અને પૂર્વ એમપીમાં 15 તથા 16 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે.
છત્તીસગઢમાં 13 અને 14 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ
છત્તીસગઢમાં માનસૂન સિસ્ટમ મજબૂત હોવાને કારણે 13 અને 14 ઓગસ્ટે મોટાભાગના વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.
રાજસ્થાનમાં 13 અને 14 ઓગસ્ટે મેઘમહેર
રાજસ્થાનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં 13 ઓગસ્ટે તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે. ખાસ કરીને પૂર્વ રાજસ્થાનમાં 13 અને 14 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે.
મહારાષ્ટ્ર અને ગોવામાં 13થી 16 ઓગસ્ટ સુધી ધુઆંધાર વરસાદ
મહારાષ્ટ્રના કોંકણ અને ગોવામાં 13થી 15 ઓગસ્ટ સુધી, જ્યારે મધ્ય મહારાષ્ટ્રમાં 13, 15 અને 16 ઓગસ્ટે ભારે વરસાદ પડશે. 13 અને 14 ઓગસ્ટે કેટલીક જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ થઈ શકે છે.
ગુજરાતમાં 13 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં પણ ચોમાસુ સિસ્ટમની અસર જોવા મળશે અને 13 ઓગસ્ટે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હરિયાણામાં ચક્રવાતી પરિસંચરણથી વાતાવરણ બદલાશે
દક્ષિણ હરિયાણા પર બનેલા સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી વાતાવરણ બની રહેશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે.
જમ્મુ-કાશ્મીરમાં પહાડી વિસ્તારોમાં ઝાપટાં પડશે
જમ્મુ-કાશ્મીરમાં પણ 13 ઓગસ્ટે અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ અને ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદથી રસ્તાઓ પર અસરની શક્યતા
હિમાચલ પ્રદેશમાં 13 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જેનાથી પહાડી માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થઈ શકે છે.
આંધ્ર પ્રદેશમાં કાંઠાના વિસ્તારોમાં દરિયો તોફાની બનશે
આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારો અને રાયલસીમામાં વરસાદી માહોલ રહેશે. ઉત્તર આંધ્ર પ્રદેશના કિનારે 13થી 15 ઓગસ્ટ દરમિયાન દરિયાની સ્થિતિ ખરાબ રહેવાની શક્યતા છે. તેલંગાણાના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. તટીય કર્ણાટકમાં 13થી 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આશંકા છે. અંદરના વિસ્તારોમાં પણ તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે કેરળમાં 13થી 18 ઓગસ્ટ દરમિયાન વ્યાપક વરસાદ થશે, જેમાં 13 અને 14 ઓગસ્ટે કેટલાક સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
અસમ અને મેઘાલયમાં 15થી 18 ઓગસ્ટ સુધી રેડ એલર્ટ જેવી સ્થિતિ
અસમ અને મેઘાલયમાં 13 ઓગસ્ટે ભારે વરસાદ થયા બાદ 15થી 18 ઓગસ્ટ વચ્ચે અતિભારે વરસાદ થવાની શક્યતાથી પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. પૂર્વોત્તરના આ ચારેય રાજ્યોમાં 13થી 18 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદનો તબક્કો ચાલુ રહેશે, જેથી પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

