VIDEO: રેલવે સ્ટેશનો છાવણીમાં ફેરવાયા! 14 CAPF કંપનીઓ તૈનાત, દિલ્હીમાં 10 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શનને લઈને હાઈએલર્ટ
દિલ્હીમાં 10 ઓક્ટોબરના રોજ સીજેપી (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન અને દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. દિલ્હીના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતો આપતાં ડીસીપી રેલવે બી. ભારત રેડ્ડીએ જણાવ્યું હતું કે, "દિલ્હીમાં 10 ઓક્ટોબરના રોજ યોજાનાર પ્રદર્શનને ધ્યાનમાં રાખીને અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ તૈનાતી કરી છે. દિલ્હીના તમામ 7 મોટા રેલવે સ્ટેશનો પર ચોવીસે કલાક (24x7) કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે."
તેમણે સુરક્ષા બંદોબસ્તની મુખ્ય બાબતો વિશે જણાવ્યું કે, કુલ 334 જીઆરપી (GRP) જવાનો તૈનાત કરાયા છે, જેમાં આશરે 120 મહિલા પોલીસકર્મીઓ સામેલ છે. આ ઉપરાંત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની 14 કંપનીઓ ચોવીસે કલાક સ્ટેશનો પર તૈનાત રહેશે. નવી દિલ્હીની આસપાસના સ્ટેશનો અને સંવેદનશીલ સ્થળો પર વિશેષ ફોર્સ મૂકવામાં આવી છે.
સોશિયલ મીડિયા અને ઈન્ટેલિજન્સ ટ્રેકિંગ
આરપીએફ (RPF) અને તેની ઈન્ટેલિજન્સ વિંગ તરફથી સતત ઇનપુટ્સ મેળવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર પણ સાયબર ટીમ દ્વારા ચાંપતી નજર રખાઈ રહી છે. જો કોઈ ટ્રેન મારફતે પ્રદર્શનકારીઓ આવી રહ્યા હોવાની માહિતી મળશે, તો તેમની પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ દરેક સ્ટેશન પર સ્થિત સીસીટીવી કંટ્રોલ રૂમમાં જીઆરપી અને આરપીએફના જવાનો તૈનાત છે. ભીડની કોઈપણ અસામાન્ય હિલચાલ દેખાતાં જ તાત્કાલિક રિપોર્ટ કરવામાં આવશે.
સામાન્ય મુસાફરો માટે કોઈ પ્રતિબંધ નથી:
ડીસીપીએ સામાન્ય રેલવે મુસાફરોને ખાતરી આપતા સ્પષ્ટ કર્યું હતું કે, જો ટ્રેનોના રૂટ ડાયવર્ટ થાય કે ટ્રેન અટકે તો તે મુજબ સુરક્ષામાં ફેરફાર કરાશે. સામાન્ય રીતે દોડતી ટ્રેનોના મુસાફરોની અવરજવર પર કોઈ રોકટોક નથી. તેઓ કોઈપણ ખચકાટ વિના નિર્ભયપણે મુસાફરી કરી શકે છે. કાનૂની કાર્યવાહી માત્ર કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનારા અથવા ગેરકાયદે વિરોધમાં જોડાવા આવનારા તત્વો સામે જ કરવામાં આવશે.

