VIDEO: "રાહુલ ગાંધી જ બનશે દેશના આગામી વડાપ્રધાન!" સ્વામી પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું!
નવી દિલ્હી ખાતે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે યોજાયેલી મહત્વની બેઠક બાદ ‘અપની જનતા પાર્ટી’ના અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્યએ મોટો રાજકીય ધડાકો કર્યો છે. તેમણે સત્તાવાર રીતે INDIA ગઠબંધનને સમર્થન જાહેર કરવાની સાથે રાહુલ ગાંધીને દેશના આગામી વડાપ્રધાન બનાવવાની ખુલ્લી હિમાયત કરી છે.
બેઠક બાદ મીડિયા સમક્ષ વાત કરતા સ્વામી પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધી અત્યારે રાષ્ટ્રીય સ્તરે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને સમગ્ર દેશના મૂળભૂત મુદ્દાઓને જોરશોરથી ઉઠાવી રહ્યા છે અને તેના માટે સક્રિય લડાઈ લડી રહ્યા છે. હું પણ ઉત્તર પ્રદેશમાં આ જ મુદ્દાઓ પર જમીની સ્તરે કામ કરી રહ્યો છું. અમારી વિચારધારા અને સંઘર્ષ એકસમાન છે."
તેમણે આગળ ઉમેર્યું કે, "જ્યારે અમે ઉત્તર પ્રદેશમાં આ અસંખ્ય સમસ્યાઓ સામે લડી રહ્યા છીએ, ત્યારે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ જ એકમાત્ર મજબૂત વિકલ્પ છે. આથી જ આજે INDIA ગઠબંધન સાથે જોડાવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આ વિષય પર વિસ્તૃત ચર્ચા થઈ છે. વધુમાં, અમે ઇચ્છીએ છીએ કે રાહુલ ગાંધી આ દેશના આગામી વડાપ્રધાન બને. આ જ ઉદ્દેશ્ય સાથે હું સમાન વિચારધારા ધરાવતા લોકોને એક મંચ પર લાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છું."
સીટ વહેંચણી અને ભવિષ્યની રણનીતિ અંગે સ્પષ્ટતા કરતા મૌર્યએ કહ્યું કે, "આજની બેઠક માત્ર શરૂઆત છે. આગળની રણનીતિ અને કાર્યક્રમોની વિગતો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે."
સ્વામી પ્રસાદ મૌર્યના આ નિવેદનથી ઉત્તર પ્રદેશ સહિત દેશના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે, ખાસ કરીને દલિત અને પછાત વર્ગના મતોને એકજૂથ કરવાના વિપક્ષના પ્રયાસોને આ જોડાણથી નવું બળ મળશે તેવું માનવામાં આવે છે.

