VIDEO: "રાહુલ ગાંધીએ પોતાની જાતને ખરાબ રીતે ફસાવી દીધી છે": અમિત શાહ પરના નિવેદન અંગે કિરેન રિજિજુનો પલટવાર
લોકસભામાં વિરોધ પક્ષના નેતા (LoP) રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર કરવામાં આવેલા પ્રહારો બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પલટવાર કર્યો છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદન પર ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે રાહુલ ગાંધી સંસદીય મર્યાદા ભંગ કરી રહ્યા છે અને બંધારણીય પ્રક્રિયાઓ વિશે પ્રાથમિક જ્ઞાન ધરાવતા નથી.
"બે બાબતોથી અમે ભારે નારાજ છીએ"
કિરેન રિજિજુએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "અમે બે મુખ્ય કારણોસર રાહુલ ગાંધીથી ખૂબ જ નારાજ છીએ. પહેલું એ કે, વિરોધ પક્ષના નેતા હોવા છતાં રાહુલ ગાંધી પેપર લીક બિલ પર એક પણ મહત્વનો મુદ્દો રજૂ કરી શક્યા નથી. બીજું, તેમણે અસંસદીય શબ્દોનો ઉપયોગ કરીને અને ગૃહમંત્રી પર ખોટા આક્ષેપો કરીને ગૃહને ગેરમાર્ગે દોર્યું છે."
"ફાયરિંગના આદેશ મંત્રીઓ નથી આપતા": રિજિજુની કાયદાકીય સ્પષ્ટતા
ગૃહમંત્રી પરના આક્ષેપોનો જવાબ આપતા સંસદીય બાબતોના મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, ગૃહમંત્રી કે અન્ય કોઈ પણ મંત્રી ક્યારેય ફાયરિંગ (ગોળીબાર) જેવા કોઈ આદેશ આપતા નથી. આ બાબતો મંત્રીઓના અધિકાર ક્ષેત્રમાં આવતી જ નથી. સ્થળ પર હાજર રહેલા મેજિસ્ટ્રેટ અથવા SDM દ્વારા જ પરિસ્થિતિ મુજબ આ પ્રકારના આદેશો આપવામાં આવે છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, "રાહુલ ગાંધીને આટલી પાયાની વાતની પણ ખબર કેમ નથી?"
"મને રાહુલ ગાંધી પર દયા આવે છે"
પોતાની નારાજગી અને અસંતોષ વ્યક્ત કરતા કિરેન રિજિજુએ ઉમેર્યું કે, "રાહુલ ગાંધીએ આ મામલે પોતાની જાતને બહુ ખરાબ રીતે ફસાવી દીધી છે. મને તેમના પર દયા આવે છે. એક સંસદીય બાબતોના મંત્રી તરીકે, હું હંમેશાં આશા રાખું છું કે વિરોધ પક્ષના નેતા ગૃહમાં કોઈ સાર્થક અને નક્કર ચર્ચા કરે. પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા છે."

